માલ્યાને લંડનના ઘરમાંથી હાંકી કાઢોઃ બ્રિટિશ કોર્ટ

લંડનઃ એક મોટા નિર્ણયમાં, બ્રિટનની એક અદાલતે આદેશ આપ્યો છે કે ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા અને તેના આખા પરિવારને લંડનમાં એમના નિવાસસ્થાનમાંથી હાંકી કાઢવામાં આવે. યૂબીએસ બેન્ક આ કેસ જીતી ગઈ છે. તેણે માલ્યાના લંડનમાંના વૈભવશાળી નિવાસસ્થાનને કબજામાં લેવા અને તેને વેચી દેવાનો કેસ જીતી લીધો છે.

લંડનના આ કોર્નવોલ ટેરેસ બંગલામાં 65-વર્ષનો માલ્યા, એનો 34-વર્ષનો પુત્ર સિદ્ધાર્થ અને 95-વર્ષની માતા લલિતા રહે છે. કોર્ટના ઓર્ડર બાદ સ્વિસ બેન્ક યૂબીએસ હવે માલ્યાના આ બંગલાનો કબજો લેશે. આ બંગલામાંથી લંડનનો રીજેન્ટ્સ પાર્ક જોઈ શકાય છે. માલ્યાએ યૂબીએસ બેન્કને લોન પેટે 2 કરોડ 4 લાખ પાઉન્ડની રકમ ચૂકવવાની નીકળે છે, જે રૂપિયા 185.4 કરોડ થવા જાય છે. કોર્ટે પોતાના આ ચુકાદા સામે અપીલમાં જવાની માલ્યાએ કરેલી વિનંતીને પણ ફગાવી દીધી છે.