ગ્રીસમાં બે ટ્રેન અથડાતાં 29નાં મરણ, 85 ઘાયલ

એથેન્સઃ ગ્રીસના મધ્ય ભાગમાં આવેલા લારિસા શહેરના હદ વિસ્તારમાં એક ઈન્ટરસિટી પેસેન્જર ટ્રેન અને એક ગૂડ્સ ટ્રેન સામસામી અથડાતાં 29 જણ માર્યા ગયા છે અને બીજાં ઓછામાં ઓછા 85 જણ ઘાયલ થયાં છે. આ દુર્ઘટના મંગળવારે રાતે બની હતી. દુર્ઘટના થવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

(તસવીરોઃ ટ્વિટર)

ઈન્ટરસિટી ટ્રેન એથેન્સથી થેસાલોનિકી શહેર તરફ જતી હતી. બંને ટ્રેન વચ્ચેની અથડામણ ખૂબ જ ભયાનક હતી. એને કારણે પેસેન્જર ટ્રેનના પહેલા ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એમાંના પહેલા બે ડબ્બામાં આગ પણ લાગી હતી. બંને ડબ્બા આગમાં સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આશરે 250 પ્રવાસીઓને સહીસલામત રીતે બસમાં બેસાડીને થેસાલોનિકી શહેર લઈ જવામાં આવ્યા હતા. એક પેસેન્જરે કહ્યું હતું કે ભૂકંપ થયો હોય એવો મોટો અવાજ આવ્યો હતો.

પેસેન્જર ટ્રેનનું સંચાલન ઈટાલીની કંપની ફેરોવી ડેલો સ્ટેટો ઈટાલીએન દ્વારા કરવામાં આવે છે.