વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના એવા પ્રથમ ભૂતપૂર્વ કે સક્રિય પ્રમુખ બન્યા છે જેમને વિદ્રોહ કરવાના ગુનાસર પુનઃ ચૂંટણી લડવાની મનાઈ ફરમાવાઈ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, ટ્રમ્પ ચૂંટણી લડવા માટે યોગ્ય નથી રહ્યા.
ટ્રમ્પ પર આ એક વધુ કલંક લાગ્યું છે. તેઓ બીજી કેટલીક બાબતે પણ બદનામ થયા છે. જેમ કે, તેઓ અમેરિકાના એવા પ્રથમ પ્રમુખ છે જેમને પર બે વાર ઈમ્પીચ કરવામાં આવ્યા હોય (તહોમતનામું મૂકાયું હોય) – પ્રમુખપદે હતા ત્યારે અને તે પછી. દેશના સંરક્ષણને લગતા ગુપ્ત દસ્તાવેજોની ગેરસંભાળ લેવાનો પણ એમની પર ગુનાઈત આરોપ મૂકાયો છે. તદુપરાંત, ચૂંટણીના પરિણામને પલટાવી નાખવા માટે સત્તાનો દુરુપયોગ કરવાનો પણ એમની પર આરોપ છે.
કોલોરાડો રાજ્યની સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને પગલે ટ્રમ્પ ફરી ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠર્યા છે. તે કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ દેશના પ્રમુખપદની ચૂંટણીનો પ્રાથમિક તબક્કો રાજ્યમાંથી લડી શકશે નહીં, કારણ કે 2021ની 6 જાન્યુઆરીએ કરાયેલા એક બળવામાં તેઓ સંડોવાયેલા હતા. તે દિવસે ટ્રમ્પના સમર્થકોના એક મોટા ટોળાએ અમેરિકાની સંસદ (અમેરિકન કોંગ્રેસ) પર હલ્લો કર્યો હતો. તે બળવો કરાવવા પાછળનો ઈરાદો જો બાઈડનને દેશના નવા પ્રમુખ બનતા અટકાવવાનો અને ચૂંટણી પ્રક્રિયાને ખોરવી નાખવાનો હતો. ટ્રમ્પ સામે ફેડરલ (કેન્દ્રીય) અને રાજ્યના સત્તાવાળાઓએ અનેક કેસોમાં 90 આરોપ મૂક્યા છે.