કોન્ગોમાં જ્વાળામુખી ફાટ્યો; બચાવ-કામગીરીમાં ભારતીય સૈનિકો જોડાયા

કિન્હાસાઃ મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં ન્યારાગોન્ગો પર્વત પરનો જ્વાળામુખી સ્થાનિક સમય મુજબ શનિવારે સાંજે 6.30 વાગ્યે ફાટ્યો હતો અને એના લાવારસનો પ્રવાહ આજે નજીકના ગોમા શહેરના એરપોર્ટ સુધી પહોંચ્યો હતો. વિસ્તારમાં મોટા પાયે લોકોએ હિજરત કરી છે. ગોમા શહેરમાંથી હજારો લોકો ભાગી ગયા છે અને બાજુના રવાન્ડા દેશની સરહદે પહોંચી ગયા છે. આશરે 20 લાખની વસ્તી ધરાવતા ગોમા શહેર કાતિલ જ્વાળાઓને કારણે ગઈ કાલે રાતના અંધારામાં ભયંકર દેખાતું હતું. સ્થાનિક સરકારે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને દુનિયાના દેશો પાસે મદદ માગી છે.

કોન્ગો દેશમાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના કાર્યાલય ખાતે સેવા બજાવતા ભારતીય સૈનિકોના જૂથે તરત જ બચાવ કામગીરીમાં ઝંપલાવી દીધું હતું. ગોમા શહેરમાંથી લોકોની હિજરત સરળતાપૂર્વકની બની રહે એ માટે ભારતીય સૈનિકોએ સ્થાનિક નાગરિકોને રક્ષણ આપ્યું હતું. 2002માં પણ ગોમા નજીકના એક અન્ય પહાડ પર જ્વાળામુખી ફાટ્યો હતો, જેને કારણે 250 જેટલા લોકોના મરણ થયા હતા અને 1,20,000 જેટલા લોકો બેઘર થઈ ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]