યુક્રેનના ભૂતપૂર્વ MPનાં પત્નીએ નાણાં લઈને ભાગવાના પ્રયાસ કર્યા

કિવઃ રશિયા-યુક્રેન યુદ્ધનો 26મો દિવસ છે. યુક્રેનના ભૂતપૂર્વ સંસદસભ્ય કોત્વિત્સ્કીનાં પત્નીએ 2.8 કરોડ ડોલર અને 13 લાખ યુરો લઈને દેશમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી વચવા ઝકારપટ્ટિયા પ્રાંતને રસ્તે હંગેરીમાં પ્રવેશ કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે તેમને હંગેરિયન બોર્ડ પર ગાર્ડ્સે તેમની પાસે રહેલી રોકડ જાહેર કરવા માટે મજબૂર કર્યા હતા, એમ નેક્સ્ટા મિડિયા ઓર્ગેનાઇઝેશને અહેવાલ આપ્યો હતો.

રશિયાએ યુક્રેન સામે 24 ફેબ્રુઆરીએ યુદ્ધની જાહેરાત કરી હતી અને હવે રશિયાના હુમલા હજી પણ ચાલુ જ છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે એક કરોડ લોકો વિસ્થાપિત થયા હતા, જેમાંથી 34 લાખ લોકોએ પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં શરણું લીધું હતું.

યુક્રેનમાં યુદ્ધ બાળકો સહિત અનેક નાગરિકો માર્યા ગયા હતા. જોકે સામે પક્ષે યુક્રેને પણ દાવો કર્યો હતો કે અત્યાર સુધી એણે 14,000થી વધુ રશિયન સૈનિકોને મારી કાઢ્યા છે. અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમી દેશોએ રશિયાને યુદ્ધ રોકવા માટે આકરા પ્રતિબંધ અને નાણાકીય દંડ લગાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ પુતિનની સાથે વાટાઘાટ માટે તૈયાર છે, પણ કૂટનીતિ નિષ્ફળ નીવડી તો ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાય એવી ભીતિ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપીય નેતાઓને ક્રેમલિનની ચેતવણીની વચ્ચે રશિયા સાથે બધા પ્રકારના વેપાર બંધ કરવાનું આહવાન કર્યું છે.