કોરોનાને લઈને ‘જૂનો ઇન્ટરવ્યુ’ ટ્રમ્પ માટે મુસીબત બન્યો

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચૂંટણીમાં ગરમાવો આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક જૂનો ઇન્ટરવ્યુ મુસીબત બની ગયો છે. આ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્વીકાર કર્યો હતો કે તેમણે જાણીબૂજીને કોરોનાના જોખમને ઓછું દર્શાવ્યું હતું. અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે ટ્રમ્પ પહેલેથી જ વિપક્ષના નિશાના પર છે અને આ ખુલાસાથી તેઓ વધુ આક્રમક બની ગયા છે. જોકે વ્હાઈટ હાઉસે ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે કોરોના વાઇરસના પ્રકોપ વિશે અમેરિકી લોકોને જાણીજોઈને ગેરમાર્ગે નથી દોર્યા. વાઇટ હાઉસના પ્રેસ સચિવે કાયલે મૈકનીએ આ માટે નિવેદન જારી કર્યું હતું.

ટ્રમ્પને લઈ વધુ ખુલાસા

આ ઇન્ટરવ્યુ ફેબ્રુઆરી-માર્ચનો છે, પણ ચૂંટણી પહેલાં એને બજારમાં આવતા એક પુસ્તક માટે જારી કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં ટ્રમ્પને લઈ વધુ ખુલાસા થાય એવી શક્યતા છે. આ ઇન્ટરવ્યુની ક્લિપિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળી શકાય છે કે તેમણે જાણીજોઈને કોરોનાના જોખમને ઓછું ગણાવ્યું હતું. તેમણે એ ફરી સ્વીકાર કર્યો હતો કે  કોરોના વાઇરસ કેટલો ઘાતક અને સંક્રમિત રોગ છે. જોકે તેમણે એ પણ જણાવ્યું હતું કે આવું તેમણે જનતાની ભલાઈ માટે કર્યું હતું.

વાઇરસના પ્રભાવને ઓછો કર્યો

રિપબ્લિકન રાષ્ટ્રપતિનો દાવો છે કે તેમણે મહિનાઓ સુધી વાઇરસના પ્રભાવને ઓછો કર્યો. જોકે વાઇરસ સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ ગયો હતો. સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું નહોતો ઇચ્છતો કે લોકોમાં ગભરાટ ફેલાય, હું હજી પણ એ જ કરી રહ્યો છું. 15 સપ્ટેમ્બર બહાર પડાનારા પુસ્તક ‘Rage’ માટે ઇન્ટરવ્યુની ક્લિપિંગને જારી કરવામાં આવી છે. આ વર્ષે પ્રકાશિત થનારું આ ચોથું પુસ્તક છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલાં રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.

ખુલાસા ટ્રમ્પ માટે ખતરનાક

અમેરિકામાં આ વર્ષની ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી થવાની છે. આવામાં કોરોના વાઇરસ અંગે ટ્રમ્પનું વલણ દર્શાવે છે કે આ ખુલાસા ટ્રમ્પ માટે ખતરનાક સાબિત થશે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અહીં 1,90,000 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યાં છે અને એના માટે મોટે ભાગે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણવામાં આવે છે.

અમેરિકનો સાથે છેતરપિંડી

આ ખુલાસા પછી વિપક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ પર તીખા હુમલા કરી રહ્યો છે. ટ્રમ્પના વિરોધી જો બિડેને મિશિગનમાં ચૂંટણી ઝુંબેશમાં કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે કોરોના કેટલો ઘાતક છે, તેમ છતાં અમેરિકી જનતાથી ખોટું બોલ્યા. તેઓ જાણીજોઈને અને સ્વેચ્છાથી દેશની સામેના જોખમને લઈને મહિનાઓ સુધી ખોટું બોલતા રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ દેશની સાથે છેતરપિંડી છે. જોકે ટ્રમ્પ વહીવટીતંત્રે આ બધા આરોપોનો વિરોધ કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]