કેનેડામાં સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

નવી દિલ્હીઃ કેનેડાની ટ્રુડો સરકારના એક નિર્ણયને પગલે વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ છે. આશરે  સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓએ આગામી વર્ષે કેનેડા છોડવું પડે એવી શક્યતા છે.  વર્ષ 2025માં 50 લાખ હંગામી પરમિટ ખતમ થઈ રહી છે,. જેમાંથી 7 લાખ પરમિટ વિદ્યાર્થીઓના છે અને કડકાઈને પગલે આ વિદ્યાર્થીઓને ફરીથી પરમિટ મળવામાં સમસ્યા થઈ શકે છે.

જોકે કેનેડાના ઈમિગ્રેશન ઓથોરિટીને આશા છે કે પરમિટ ખતમ થયા બાદ મોટા ભાગના પ્રવાસી વિદ્યાર્થીઓ કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ અઠવાડિયાની શરૂઆતમાં જાણકારી આપી હતી. આ 50 લાખ પરમિટોમાંથી સાત લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે, જે હાલમાં જ ટ્રુડો સરકારના પ્રવાસી વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે. સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

કેનેડાના પ્રવાસી વિભાગના આંકડાઓ મુજબ મે, 2023 સુધી 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023ના અંત સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી, જે સંખ્યા 2018ની તુલનાએ ત્રણ ગણી વધુ છે. કેનેડાએ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં 35 ટકાનો ઘટાડો કર્યો છે.  હવે ટ્રુડો સરકારની 2025માં તેમાં 10 ટકા વધુ ઘટાડો કરવાની યોજના કરી છે.

જોકે ટ્રુડોની આ દાનતનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીવરેએ PM જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરતાં કહ્યું હતું કે તેનાથી હંગામી નિવાસીઓ માટે અનિશ્ચિતતા પેદા થઈ છે અને દેશને તેનાથી કોઈ ફાયદો પણ થઈ રહ્યો નથી. આ સાથે એમ પણ કહ્યું હતું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી રહીશોએ દેશ છોડવો પડી શકે છે.