અફઘાન સેનાએ 48-કલાકમાં 300 તાલિબાની લડાકુને ઠાર કર્યા

કાબુલઃ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકો સ્વદેશ ફર્યા પછી તાલિબાને એક આક્રમક યુદ્ધનો પ્રારંભ કર્યો છે. અફઘાન સુરક્ષા દળો તાલિબાન સામે સતત યુદ્ધ કરી રહ્યા છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ પ્રાંતોમાંથી સુરક્ષા દળોની કાર્યવાહીથી શનિવારથી અત્યાર સુધી આશરે 300 તાલિબાની સભ્યો માર્યા ગયા હતા અને સેંકડો લડાકુ જખમી થયા હતા.સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં ગજની, કંધાર, હેરાત, ફરાહ, જોજ્જાન, બલખ, સમાંગન, હેલમંદ, તખર, કુંદુજ, બગલાન, કાબુલ અને કપિસામાં ઝુંબેશ ચલાવીને આ તાલિબાની લડાકુને ઢેર કર્યા હતા. આ દરમ્યાન 13 IED મળી આવ્યા હતા અને તેમને નિષ્ક્રિય કરી દીધા હતા, એમ સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે પક્તિકા પ્રાંતના બરમલ  જિલ્લામાં ચાર પાકિસ્તાનીઓ સહિત 12 તાલિબાની આતંકવાદીઓને મારી કાઢ્યા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. પંજવે જિલ્લા અને કંધાર પ્રાંતના બહારના વિસ્તારમાં 11 આતંકવાદી માર્યા ગયા હતા, એમ મંત્રાલયે અન્ય ટ્વીટમાં કર્યું હતું. અફઘાનિસ્તાન દળોએ કંધાર હવાઈ હુમલામાં તાલિબાનના સ્થળોને નષ્ટ કરી દીધાં હતાં. સામે પક્ષે પાકિસ્તાને તાલિબાનના શરણાર્થીઓને લેવાનો ઇનકાર કર્યો હતો.

બીજી બાજુ તાલિબાને અફઘાન સુરક્ષા દળો અને નાગરિકોની સામે હુમલા તેજ કરી દીધા હતા અને કેટલાય જિલ્લાઓ પર કબજો કરી લીધો હતો. અફઘાન વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તાલિબાને 193થી વધુ જિલ્લા કેન્દ્રો અને 19 સરહદી જિલ્લાઓ પર કબજો કરી લીધો હતો.