ન્યુ યોર્ક- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાને અમેરિકા અને તેના હિતો માટે જોખમરૂપ ગણાવ્યું છે. વૉશિંગ્ટનમાં ગુરુવારે વાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલી આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય નીતિમાં કહેવાયું છે કે, બબ્બર ખાલસા ભારત અને અન્ય સ્થળો પર આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર છે અને આ સંગઠને અનેક નિર્દોષ લોકોની હત્યા કરી છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે સૂચિ રજૂ કરવામાં આવી છે, તેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબા (એલઇટી)નું નામ પણ શામિલ છે, જે અમેરિકા માટે સંભવિત જોખમ છે. અમેરિકન વિદેશ અને નાણાં વિભાગો દ્વારા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને આંતરરાષ્ટ્રીય શીખ યુવા સંઘને 2002માં અને લશ્કર-એ-તૈયબાને 2001માં આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
આ દસ્તાવેજને અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. તેમણે ન માત્ર આતંકવાદીઓને અમેરિકા માટે સીધા જોખમરૂપ ગણાવ્યા પરંતુ, વિદેશોમાં અલગાવવાદી પ્રવૃત્તિઓને પણ જોખમરૂપ ગણાવી, જે સમાજમાં હિંસા અને અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરે છે. જો કે તેમનો પ્રાથમિક ટાર્ગેટ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ), અલ કાયદા અને તેમના સહયોગીઓ અને ઇરાનથી સંબંધિત આતંકવાદી જૂથો પર હતો.