તાઇપેઇ- તાઇવાનના અધિકારીઓએ પ્રવાસી વિઝા પર આવલે 152 વિયેતનામી નાગરિકોની શોધખોળ શરૂ કરી છે જે તાઈવાન આવ્યાં બાદ ગુમ થઈ ગયાં છે. અહેવાલો અનુસાર, તેઓ અહીં ગેરકાયદે કામ કરવા માટે આવ્યા હોઈ તેવી પણ શક્યતા છે. આ પ્રવાસીઓ અહીં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાંથી તાઇવાન આવવા માટે વધુને વધુ લોકોને આકર્ષિત કરવાના હેતુથી ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી એક યોજના હેઠળ જારી કરેલા વિઝા પર આવ્યાં હતાં.
તાઈવાનની નેશનલ ઈમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણી કાઓસુઈંગ શહેરમાં કુલ 153 વિયેતનામના નાગરિકો આવ્યા હતાં,જેમાંથી હાલ એક જ વ્યક્તિ મળી આવ્યો છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એજન્સીએ એક કાર્યકારી જૂથની સ્થાપના કરી છે, જે પોલીસ સાથે મળીને ગુમ થયેલા પ્રવાસીઓની શોધખોળ કરવાની સાથે સાથે તેમની પાછળ કયા જૂથનો હાથ છે તે પણ તપાસ કરી રહી છે.
સ્થાનિક મીડિયામાં અટકળો છે કે, આ વિયેતનામી નાગરીકો તાઇવાનમાં ગેરકાયદેસર કામ કરવા માટે આવ્યા હોઈ તેવી શક્યતા છે. ઇમિગ્રેશન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રવાસીઓને પ્રત્યાર્પણ અને અહીં આવવા માટે ત્રણથી પાંચ વર્ષ સુધીના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. પ્રવાસન બ્યુરોના જણાવ્યા પ્રમાણે, આ કાર્યક્રમ હેઠળ 150 જેટલા પ્રવાસીઓ આ પહેલા પણ ગુમ થયાં હતાં. જોકે તે સ્પષ્ટ નથી કે તેમાંના કેટલાને શોધી કાઢવામાં આવ્યાં છે.