USમાં વિદ્યાર્થીનો ગોળીબારઃ શિક્ષક સહિત ચારનાં મોત, નવ ઘાયલ

જ્યોર્જિયાઃ USના જ્યોર્જિયામાં એક મોટી ઘટના બની છે, જેમાં એક હાઇસ્કૂલમાં 14 વર્ષના કિશોરે ક્લાસમાં ઘૂસીને બંદૂકથી અંધાધૂધ ગોળીઓ મારી હતી, જેમાં બે શિક્ષક અને બે વિદ્યાર્થી સહિત ચાર લોકોનાં મોત થયાં હતા, જ્યારે અન્ય નવ જણ ઘાયલ થયા હતા.

બૈરો કાઉન્ટીના વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં થયેલા હુમલાના આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ જ્યોર્જિયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમ કરી રહી છે. બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થીનું નામ કોલ્ટ ગ્રે છે અને સ્કૂલ કેમ્પસમાંથી તેની સ્કૂલ કેમ્પમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે પહેલાં પણ હથિયારો લઈને તપાસના દાયરામાં રહી ચૂક્યો છે.

રિપોર્ટમાં હુમલાના સમયે હાજર વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં એ વિદ્યાર્થિની સયારાધે જણાવ્યું હતું કે એલ્જેબ્રાના ક્લાસ દરમ્યાન હુમલો કરનારા વિદ્યાર્થીએ ક્લાસનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ અન્ય એક વિદ્યાર્થીએ તેના હાથમાં બંદૂક જોઈને દરવાજો ખોલવાની ના પાડી હતી. ત્યાર બાદ તેણે આગલા રૂમમાં જઈને ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગ બચેલી એક વિદ્યાર્થિની એલેકઝેન્ડ રોમેરોએ કહ્યું હતું કે ક્લાસમાં ઘૂસતાં એ વિદ્યાર્થીએ ક્લાસના વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી. ત્યાર બાદ તેણે ફાયરિંગ કર્યું હતું. જોકે આ ગોળીબાર એ વિદ્યાર્થીએ કેમ કર્યો હતો એ હજી સુધી જાણવા નથી મળ્યું.

તપાસ અધિકારીઓએ કહ્યું હતું કે આ ઘટનાની ગંભીરતા જોતાં સગીર કિશોર પર એક વયસ્ક અપરાધીની જેમ કેસ ચલાવવામાં આવશે. ગવર્નર બ્રાયન કેમ્પે આ કેસની ઊંડી તપાસના આદેશ આપ્યા છે.