સીએટલઃ કોફીહાઉસીસ (રેસ્ટોરન્ટ્સ)ની મલ્ટીનેશનલ ચેન ધરાવતી અમેરિકાની કંપની સ્ટારબક્સના 100થી પણ વધારે સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓ હડતાળ પર જવા વિચારે છે. ગ્રાહકોને અનેક સ્વાદમાં હોટ અને કોલ્ડ કોફી પીરસતી આ કંપનીના સ્ટોર્સમાં યુનિયનની રચના કરવાની ગયા વર્ષે એક ઝુંબેશ શરૂ કરાયા બાદ કર્મચારીઓનું આ સૌથી મોટું પગલું બનશે.
સ્ટારબક્સ કંપનીનો વાર્ષિક ‘રેડ કપ ડે’ આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓ કામ પર આવવાનું બંધ રાખે એવી સંભાવના છે. ‘રેડ કપ ડે’ના દિવસે કંપની હોલીડે ડ્રિન્કનો ઓર્ડર આપનાર ગ્રાહકોને મફતમાં રીયૂઝેબલ કપ્સ આપતી હોય છે. કર્મચારીઓ માટે આખા વર્ષમાં સૌથી વ્યસ્ત રહેતા દિવસોમાંનો તે એક હોય છે. કર્મચારીઓ પગાર વધારવા, અધિક સુસંગત સમયપત્રક રાખવા તેમજ ખૂબ વ્યસ્ત રહેતા સ્ટોર્સમાં કર્મચારીઓની સંખ્યા વધારવા જેવી માગણીઓ કરી રહ્યા છે. સ્ટારબક્સે યુનિયનની રચના વિશે કર્મચારીઓના પ્રયાસનો વિરોધ કર્યો છે. સીએટલમાં મુખ્યાલય ધરાવતી સ્ટારબક્સ કંપની અમેરિકામાં 9,000થી વધારે સ્ટોર્સ ધરાવે છે.
