કોલંબો- ચીનના આર્થિક દેવા નીચે દબાયેલી શ્રીલંકા સરકારની ભારે ટીકા થઈ રહી છે. હવે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું છે કે, તેમને ભારત અને જાપાન પાસેથી વિદેશી રોકાણની જરુરિયાત છે. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ ચીન સાથે કરવામાં આવેલા કરારનો બચાવ કર્યો હતો, જેમાં શ્રીલંકાએ પોતાનું મહત્વપૂર્ણ હંબનટોટા બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું છે. આ કરારથી શ્રીલંકાને 1.1 અબજ ડોલરની રકમ મળી છે.વધુમાં શ્રીલંકાના વડાપ્રધાને કહ્યું કે, ‘અમે મોટી સંખ્યમાં વિદેશી રોકાણને શ્રીલંકામાં આમંત્રિત કરવા વિચાર કરી રહ્યાં છીએ. જેની શરુઆત ચીન, ભારત અને જાપાનથી કરવામાં આવશે’. ત્યારબાદ અન્ય દેશોને રોકાણ માટે આમંત્રિત કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2015થી વિક્રમસિંઘે સત્તા પર આવ્યા છે ત્યારથી જ તેમના પર દેશની આર્થિક સ્થિતિ સુધારવાનું દબાણ રહેલું છે. આ અગાઉ શ્રીલંકાએ વર્ષ 2009માં ચીન પાસેથી અબજો ડોલરની લોન લીધી છે. શ્રીલંકા સરકારના આંકડા મુજબ વર્ષ 2017 સુધીમાં શ્રીલંકા પર ચીનનું કુલ દેવું 5 અબજ ડોલરનું થઈ ગયું છે.
જે સમયે શ્રીલંકાએ પોતાનું હંબનટોટા પોર્ટ ચીનને સોંપ્યું હતું ત્યારથી જ ભારત માટે ચિંતાની શરુઆત થઈ હતી. કારણકે ચીન અહીંથી વેપાર ઉપરાંત સૈન્ય છાવણી પણ સ્થાપી શકે છે. બીજી તરફ શ્રીલંકામાં ચાલી રહેલા વિવાદો પછી પીએમ વિક્રમસિંઘેએ કહ્યું કે, વર્તમાન સમયમાં દેશની આર્થિક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર છે. વધુમાં તેમણે કહ્યું કે, તેના માટે ભારત અને જાપાન તરફથી શરુઆત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભારત અને જાપાને શ્રીલંકાના વિવિધ બંદરો પર રોકાણ માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.