દુબઈ – સદાબહાર બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ અંગે અનેક પ્રકારની થિયરીઓ ઘૂમી રહી છે અને તર્કવિતર્કો થઈ રહ્યા છે. સાચી વાત હજી બહાર આવી નથી.
દુબઈના ફોરેન્સિક વિભાગે શ્રીદેવીના મૃત્યુમાં કોઈ મેલી રમત રમાઈ હોવાની શક્યતાને નકારી કાઢી છે અને શ્રીદેવીનું મૃત્યુ શરાબના નશામાં હોવાને કારણે બેહોશ થઈ જવાથી, બાથટબમાં પડી જવાથી, ડૂબી જવાને કારણે થયું હોવાનો અહેવાલ આપ્યો છે, પરંતુ દુબઈના સરકારી વકીલ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સંતુષ્ટ નથી.
દુબઈ પબ્લિક પ્રોસિક્યૂટરે શ્રીદેવીના મૃત્યુ અંગે તપાસ શરૂ કરી દીધી છે, પણ હજી સુધી એમણે પોતાનો રિપોર્ટ આપ્યો નથી. એમને જરૂરી લાગશે તો એ શ્રીદેવીના પાર્થિવ શરીરનું બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવી શકે છે.
અખબારી અહેવાલનો દાવો છે કે સરકારી વકીલે શ્રીદેવીનું દુબઈની જ્યાં નિધન થયું હતું તે જુમૈરાહ એમિરેટ્સ ટાવર્સ હોટેલની રૂમ નંબર 2201નું સીસીટીવી ફૂટેજ માગ્યું છે.
ઓટોપ્સી રિપોર્ટમાં જણાવાયું છે કે શ્રીદેવીને હૃદયરોગનો હુમલો આવ્યો નહોતો કે કાર્ડિયાક એરેસ્ટ પણ થયું નહોતું. એમનું મૃત્યુ રૂમના બાથરૂમના બાથટબમાં આકસ્મિકપણે ડૂબી જવાને કારણે થયું છે.
તપાસ પૂરી થઈ ન હોવાથી શ્રીદેવીનો મૃતદેહ કપૂર પરિવારને સુપરત કરવામાં આવ્યો નથી.
અહેવાલો અનુસાર, શ્રીદેવીના પતિ અને નિર્માતા બોની કપૂરને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી દુબઈની બહાર ન જવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસાર્થે શ્રીદેવીએ કરાવેલી તમામ કોસ્મેટિક સર્જરીઓ વિશેની વિગત તેમજ એમની અન્ય મેડિકલ વિગતો બોની કપૂર પાસેથી માગવામાં આવી છે.