ચીને પણ પાકિસ્તાનનો સાથ છોડ્યો, આતંકવાદ મુદ્દે સહકાર આપવા ચીનની ‘ના’

બિજીંગ- આતંકવાદ મુદ્દે પાકિસ્તાન વૈશ્વિક સમુદાયમાં એકલું પડી રહેલું જણાય છે. પાકિસ્તાનને તેના પરમ મિત્ર ચીનનો પણ સહકાર મળતો નથી જણાઈ રહ્યો. મળતી માહિતી મુજબ ચીને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદ મુદ્દે ચીન પાકિસ્તાનનો સહયોગ નહીં કરે.પાકિસ્તાનનો સમાવેશ એવા દેશોની યાદીમાં કરવા વિચારણા થઈ રહી છે, જેમાં આતંકવાદને કાબૂમાં કરવા અંગે નજર રાખવામાં આવશે. અને આતંકવાદ પર તેમની કાર્યવાહીને આધારે જ તેમને આર્થિક સહાય આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અમેરિકા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના (FATF) ‘ગ્રે લિસ્ટ’માં પાકિસ્તાનનો સમાવેશ કરવા સતત માગ કરી રહ્યું છે.

પાકિસ્તાનના અખબારમાં છાપવામાં આવેલા એક રિપોર્ટ મુજબ ચીને પાકિસ્તાનને જણાવ્યું છે કે, આતંકવાદ મુદ્દે ચીન પાકિસ્તાનનો સહયોગ નહીં કરે. કારણકે, આ મામલામાં ચીનની પણ બદનામી થશે’. ચીનનું માનવું છે કે, તેના પ્રયાસ છતાં પાકિસ્તાનનો સમાવેશ ‘ગ્રે લિસ્ટ’માં કરવામાંથી અટકાવી શકાશે નહીં. અમેરિકાએ ગત સપ્તાહે જ આ અંગે FATFના સદસ્ય દેશો પર દબાણ કર્યું હતું.

આ પહેલાં પણ વર્ષ 2015 સુધી પાકિસ્તાન આ લિસ્ટમાં સામેલ હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનનો ગ્રે લિસ્ટમાં સમાવેશ કરવાને લઈને ચીને વિરોધ કર્યો હતો પણ બાદમાં ચીને પીછેહટ કરી છે.

સૂત્રોનું માનીએ તો આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. અને પાકિસ્તાન આ મુદ્દે અમેરિકાથી નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે. બન્ને દેશો વચ્ચે ગત કેટલાક સમયથી સંબંધોમાં કડવાશ આવી છે. ડિસેમ્બર-2017માં અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સહાય ઉપર પણ રોક લગાવવામાં આવી છે.