નવી દિલ્હીઃ સિરિયામાં સૈય્યદા જૈનબના મકબરાની પાસે કોઉ સુડાન સ્ટ્રીટ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કમસે કમ છ લોકોનાં મોત થયાં છે અને અન્ય 23 ઘાયલ થયા છે. સિરિયાઈ અરબ સમાચાર એજન્સી (SANA)એ જણાવ્યું હતું કે વિસ્ફોટે દમિશ્કના ગ્રામીણ વિસ્તારમાં અસાયદા જૈનબ શહેરને નિશાન બનાવ્યું હતું. અહેવાલ અનુસાર સૈય્યદા જૈનબમાં કોઉ સુદાન સ્ટ્રીટ પર એક ટેક્સીની પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો.
આંતરિક મંત્રાલયે ટેલિગ્રામ પર એક નિવેદનમાં કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પછી સંબંધિત પોલીસ અને અધિકારી વિસ્ફોટ સ્થળે પહોંચ્યા હતા. હાલ તપાસ જારી છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે બોમ્બધડાકા પછી સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે આ વિસ્ફોટ સિરિયાના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સૈયદા જૈનબ મકબરાની પાસે ઊભેલી ટેક્સીની પાસે કરવામાં આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે આ એક આતંકવાદી હુમલો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ હતો. ત્યાર બાદ એમ્બ્યુલન્સ મગાવવામાં આવી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્ફોટ પયગંબર મોહમ્મદ સાહબની દોહિત્રી અને હજરત ઇમામ અલીની પુત્રી સૈયદા જૈનબના મકબરાથી થોડે દૂર એક સુરક્ષા ભવનની પાસે થયો હતો.