સિંગાપોરઃ કોરોના મહામારી વચ્ચે સિંગાપોરમાં માદક પદાર્થોની હેરાફેરી સાથે જોડાયેલા એક કેસની ઓનલાઈન સુનાવણી કરાઈ એટલું જ નહીં, પરંતુ દોષિતોને સજા પણ સંભળાવવામાં આવી. સિંગાપોરનો આ પ્રથમ એવો કેસ છે કે જેમાં જજે વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ZOOM મારફત આરોપો સાંભળ્યા અને પોતાનો નિર્ણય સંભળાવ્યો. જો કે, આના માટે સિંગાપોરની ટીકાઓ પણ થઈ રહી છે. દોષિત માનવામાં આવેલા વ્યક્તિનું નામ પુનીથમ ગેનાસન છે અને તે મલેશિયાવાસી કેફી દ્રવ્યોનો દાણચોર છે. કોરોના વાયરસના પ્રકોપને લઈને સિંગાપોરમાં અદાલતોમાં સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણે પુનીથનને ગત શુક્રવારના રોજ ZOOM ના માધ્યમથી જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમણે તેને મૃત્યુની સજા સંભળાવી દીધી હતી. પુનીથનને 2011ની સાલમાં હેરોઈનની દાણચોરીના મામલામાં દોષિત ગણવામાં આવ્યો છે.
માનવાધિકાર સમૂહોએ વિડીયો કોલના માધ્યમથી અપરાધીને મોતની સજા સંભળાવવા સામે વિરોધ કર્યો છે. પુનીથન ગેનાસનના વકીલ પીટર ફર્નાંડોએ કહ્યું કે, તેમણે ઝુમ પર આપવામાં આવેલા ચૂકાદા પર કોઈ આપત્તિ વ્યક્ત કરી નથી. તેમના ક્લાયન્ટ નિર્ણય વિરુદ્ધ અપીલમાં જવાનો વિચાર કરે છે.
ઉલ્લેખનીય છે કે, સિંગાપોરમાં ગેરકાયદેસર ડ્રગ્સ માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે અને અત્યાર સુધીમાં અનેક લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જેમાં કેટલાય વિદેશી લોકોનો સમાવેશ થાય છે.