સિંગાપુર- સિંગાપુરના સૂચના અને સંચારપ્રધાન એસ. ઈશ્વરન અને ભારતથી સિંગાપુર પહોંચેલા પૂજારીઓએ સિંગાપુરના 148 વર્ષ જૂના હિન્દુ મંદિરમાં ફરીવાર પૂજાપાઠની શરુઆત કરી છે. આશરે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ આ ઘટનાના સાક્ષી બન્યાં હતાં. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આગામી 48 દિવસ ચાલનારા આ અભિષેકની શરુઆત રવિવારે સવારે 9:45 વાગ્યેથી કરવામાં આવી હતી. આ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય ગત 4 વર્ષથી ચાલી રહ્યું હતું. જેમાં આશરે 40 લાખ સિંગાપુર ડોલરનો ખર્ચ થયો છે.સિંગાપુરના હિન્દૂ મંદિરોમાં મહા સમ્પ્રોક્ષણમ નામના આ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન દરેક 12થી 15 વર્ષે કરવામાં આવે છે. આમાંથી મોટાભાગના મંદિરાનું નિર્માણ 100 વર્ષ પહેલાં ભારતથી સિંગાપુર આવેલા લોકોએ કર્યું છે. મંદિર સમિતિએ આ નવીનીકરણ માટે યોજનાઓની સમીક્ષા અને સમર્થન માટે કલાકારો અને ટેકનિકલ સલાહકારોનો સહયોગ પ્રાપ્ત કર્યો છે.
શ્રીકૃષ્ણ મંદિરની સ્થાપના વોટરલૂ સ્ટ્રીટ પર વર્ષ 1870માં કરવામાં આવી હતી. આ મંદિર હજી પણ તેના મૂળ સ્થાન પર વિદ્યમાન છે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય જૂન-2014માં શરુ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ઈશ્વરને જણાવ્યું કે, આ મંદિર એ વાતનું પ્રતિક છે કે, સિંગાપુરમાં લોકો કેવી રીતે એક બીજાની માન્યતાઓ અને સંસ્કૃતિઓની આપ-લે કરે છે. જે સમુદાય અને પરસ્પર સમ્માનની ભાવના વ્યક્ત કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મંદિરની એક રસપ્રદ વાત એ છે કે, અહીં સિંગાપુરના વિવિધ ધર્મ અને જાતીના લોકો આકર્ષિત થાય છે.