સિંગાપોરઃ 1 કિલોગ્રામ કરતાં થોડાક વધારે વજનમાં કેફી પદાર્થ કેનાબિસ (ગાંજો) દાણચોરીપૂર્વક સિંગાપોરમાં લાવવાના ગુના બદલ અહીંના સત્તાવાળાઓ એક ભારતીય-તામિલ પુરુષને ફાંસીની સજા આપવાની છે. અપરાધીનું નામ છે તાંગારાજુ સુપૈયાહ. એની મૃત્યુદંડની સજાનો અમલ આવતીકાલે, બુધવારે કરવામાં આવશે. તેને મોતની સજાનો ચુકાદો ગયા વર્ષે આપવામાં આવ્યો હતો.
કેફી દ્રવ્યો વિરુદ્ધ દુનિયામાં સૌથી કડક કાયદા સિંગાપોરમાં છે. આ માટે તેની દલીલ એવી છે કે સમાજને કેફી દ્રવ્યોના વ્યસનના દૂષણ સામે રક્ષણ આપવા માટે અપરાધીઓને મોતની સજા આપવી જરૂરી છે.
46 વર્ષના તાંગારાજુ પર આરોપ છે કે એણે 2013માં મલેશિયામાંથી એક કિલો કરતાં વધારે વજનનો કેનાબિસ (ગાંજો) દાણચોરીપૂર્વક સિંગાપોરમાં ઘૂસાડીને ડ્રગ્સના દાણચોરોને મદદ કરી હતી.