સમુદ્રમાં જળસ્તર-વૃદ્ધિથી મુંબઈ, ન્યૂયોર્ક પર ખતરો

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે સુરક્ષા પરિષદની બેઠકમાં જલવાયુ કટોકટી વિષય પર પોતાના સંબોધનમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે દુનિયાભરમાં સમુદ્રોમાં જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે કે તેને કારણે મુંબઈ અને ન્યૂયોર્ક જેવા મેગાસિટીઝ પર ગંભીર પ્રકારનું જોખમ આવી શકે છે.

ગુટેરેસે સુરક્ષા પરિષદમાં ચેતવણી ઉચ્ચારી હતી કે ધરતી પરનું તાપમાન જો આ રીતે વધતું રહેશે તો બાંગલાદેશ, ચીન, ભારત, નેધરલેન્ડ્સ સહિત અનેક દેશો પર પૂરનું જોખમ આવી શકે છે. મુંબઈ, બેંગકોક, કોપનહેગન, લોસ એન્જેલીસ, સેન્ટિયાગો, ઢાકા, માપુતો, જાકાર્તા, કેરો, શાંઘાઈ, લાગોસ, લંડન, બ્યુનોસ આયર્સ, ન્યૂયોર્ક સહિત પ્રત્યેક ખંડના મેગા-શહેરો પર ગંભીર અસર ઊભી થઈ શકે છે. સમુદ્રકાંઠાઓ ધરાવતા ઝોનમાં વસતા આશરે 90 કરોડ લોકો એટલે કે પૃથ્વી પર દર દસ પૈકી એક વ્યક્તિને માઠી અસર પહોંચી શકે છે.

ગુટેરેસે વધુમાં કહ્યું કે સમુદ્રોમાં જળસ્તર વધતું રહેશે તો કેટલાક નિચાણવાળા વિસ્તારો તેમજ દેશોનું અસ્તિત્વ મટી શકે છે. 1900ની સાલ પછી દરિયાઓમાં જળસ્તર સરેરાશ વધારે ઝડપી બન્યું છે. છેલ્લા 3,000 વર્ષોમાં પાછલી કોઈ સદીમાં જળસ્તર આટલી ઝડપે વધ્યું નહોતું. સાથોસાથ, છેલ્લા 100 વર્ષોમાં પૃથ્વી પરના મહાસાગરોમાં તાપમાન પણ એટલી બધી ઝડપે વધ્યું છે કે છેલ્લા 11,000 વર્ષોમાં ક્યારેય વધ્યું નહોતું. વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા મુજબ વૈશ્વિક તાપમાન હાલ 1.5 ડિગ્રી છે. તે આટલું છે એમાં દરિયાઓમાં જળસ્તર વધી રહ્યું છે અને જો તે બે ડિગ્રી સુધી વધી જશે તો જળસ્તર ભયજનક રીતે વધી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]