કેનેડામાં હિન્દુ મંદિરને અપવિત્ર કરાયું; ભારત-સરકાર નારાજ

ટોરોન્ટોઃ કેનેડામાં એક હિન્દુ મંદિરને બદસૂરત કરવાની ઘટના બની છે. ત્યાંની દીવાલો પર કોઈએ કાળા અક્ષરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી લખાણ લખી નાખ્યું છે. ભારત સરકારે આ બનાવમાં તપાસ કરવા અને ગુનેગારો સામે ત્વરિત પગલું ભરવાની કેનેડાના સત્તાવાળાઓને વિનંતી કરી છે.

ભાંગફોડની આ ઘટના મિસિસોગા શહેરમાં આવેલા રામ મંદિરમાં થઈ છે. ત્યાંની દીવાલ પર ભારત-વિરોધી નારા લખીને મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું છે. આને કારણે કેનેડામાં વસતા ભારતીય સમુદાયનાં લોકોમાં રોષ ઊભો થયો છે. ટોરોન્ટોસ્થિત કોન્સ્યૂલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે, ‘અમે મિસિસોગાના રામ મંદિરને ભારત-વિરોધી લખાણો દ્વારા કદરૂપું કરવાની હરકતને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમે કેનેડાના સત્તાધિશોને વિનંતી કરી છે કે તેઓ આ બનાવમાં તપાસ કરાવે અને ગુનેગારો સામે ત્વરિત પગલું ભરે.’

બ્રેમ્પ્ટન શહેરના મેયર પેટ્રિક બ્રાઉને કહ્યું છે કે, ‘મિસિસોગા શહેરના રામ મંદિર સાથે કરવામાં આવેલી ભાંગફોડ ઝનૂનપ્રેરિત છે. કેનેડામાં આ પ્રકારની ઝનૂનીવૃત્તિને કોઈ સ્થાન નથી. પોલીસ આ બનાવમાં તપાસ કરી રહી છે. અજાણ્યા શકમંદોએ મંદિરની પાછળની દીવાલો પર સ્પ્રે વડે લખાણ લખીને એને કદરૂપી બનાવી દીધી છે.’