ઇસ્લામાબાદઃ વિશ્વ બેન્કથી માંડીને IMF સુધી લોન ન મળ્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની આગળ ઝોળી ફેલાવવું કામ કરી ગયું. સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટે એલાન કર્યું છે કે એ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનમાં ત્રણ અબજ ડોલર જમા કરશે, જેથી પાકિસ્તાનને ફોરેન રિઝર્વની મદદ કરી શકાય. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને એ મોટી રાહત એવા સમયે આપી છે, જ્યારે પાકિસ્તાન અર્થતંત્ર નાદાર થવાને આરે છે.
પાકિસ્તાનને સાઉદી ફંડે એ પણ જણાવ્યું છે કે એ ઓઇલ ઉત્પાદનોના વેપાર સાથે નાણાકીય મદદ રૂપે પાકિસ્તાનને 1.2 અબજ ડોલર આપશે. પાકિસ્તાન મળનારી આ મદદ પાકિસ્તાનના સૂચનાપ્રધાન ફવાદ ચૌધરી અને ઊર્જાપ્રધાન હમદ અઝહરે કરી છે.
તેમણે કહ્યું હતું કે એમાં વૈશ્વિક સ્તરે ચીજવસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાથી વેપાર અને ફોરેન રિઝર્વ પર ઊભું થયેલું દબાણ ઓછું કરવામાં મદદ મળશે. આ પહેલાં મે મહિનામાં તેમણે કહ્યું હતું કે સાઉદી અરેબિયા પાકિસ્તાન માટે ઓઇલ સુવિધાને ફરી શરૂ કરવા સહમત થઈ ગયા છે. આ પહેલાં અન્ય યાત્રા દરમ્યાન ઇમરાન ખાને સાઉદી અરેબિયાથી ઓઇલના પુરવઠા સંબંધે વિનંતી કરી હતી. એ પહેલાં લોન લઈ ચૂકેલા કંગાળ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડે આંચકો આપ્યો હતો. IMFએ પાકિસ્તાનને એક અબજ ડોલર ડોલરની લોન આપવાનો ઇનકાર કર્યો હતો. IMFને મનાવવા માટે ઇમરાન સરકારે વીજ અને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો હતો, પણ એનાથી વૈશ્વિક સંસ્થાને સંતુષ્ટ નહોતી કરી શકાય. IMFથી લોન ન મળતાં વડા પ્રધાન ઇમરાન ખાનને ફરી એક વાર સાઉદી અરેબિયા પાસે હાથ લાંબો કરવો પડ્યો હતો.