મોસ્કો- સ્થાનિક અધિકારીઓ અને મીડિયાના જણાવ્યા મુજબ રશિયાના ઉત્તરી કાકેશસ વિસ્તારના દાગિસ્તાન ક્ષેત્રના પરંપરાગત ચર્ચમાં એક અજાણ્યા બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પાંચ મહિલાઓના મોત થયાં હતાં. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ રશિયાનો આ વિસ્તાર મુસ્લિમ બહુમતિ ધરાવે છે.રશિયાના ગૃહ મામલાના ક્ષેત્રીય મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કોઈ અજાણ્યા શખ્શે કિજલીયાર શહેરના આ પરંપરાગત ચર્ચામાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પ્રાથમિક તબક્કે ચાર મહિલાઓના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ બાદમાં પાંચ મહિલાઓના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી’.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા જાલિના મૂર્તાજાલિએવાએ સ્થાનિક સમાચાર એજન્સીને જણાવ્યું કે, ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ઘાયલ થયેલી પાંચમી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હુમલામાં રશિયાના બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતાં. આ હુમલા પાછળ કોઈ આતંકીકૃત્ય છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હજી સુધી કોઈ આતંકી સંગઠનોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.