ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સરકારને આદેશ આપ્યો છે કે હિંસક ટોળાએ તોડી પાડેલું મંદિર બે અઠવાડિયામાં જ ફરી તૈયાર થઈ જવું જોઈએ. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ગુલઝાર એહમદે આદેશ આપ્યો છે કે પ્રાંતીય સરકાર મંદિરને પ્રસ્થાપિત કરવા માટે તાત્કાલિક કામ શરૂ કરાવે અને બે અઠવાડિયામાં કામની પ્રગતિનો અહેવાલ કોર્ટને સુપરત કરે. તેમજ જે લોકોએ મંદિરની તોડફોડ કરી છે એમણે મંદિરના પુનઃનિર્માણનો ખર્ચ ચૂકવવો જોઈએ.
આ મંદિરને ગઈ 30 ડિસેમ્બરે સેંકડો લોકોના ટોળાએ તોડી પાડ્યું હતું અને પછી તેને આગ પણ લગાડી હતી. લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે નિમાયેલા એક-સભ્ય (શુઐબ સુદલ)ના પંચે મંદિરની તોડફોડના મુદ્દે સુપ્રીમ કોર્ટને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો અને તેમાં ભલામણ કરી છે કે મંદિરને વિસ્તારના ભૂમાફિયાઓ પાસેથી ફરી પ્રાપ્ત કરવું જોઈએ અને પ્રાંતીય સરકારે હુમલાની ઘટનામાં વિસ્તૃત રીતે તપાસ કરાવવી જોઈએ.