સોલ- દક્ષિણ કોરિયાની એક અદાલતે દેશના પૂર્વ પ્રેસિડેન્ટ લી મ્યુંગ બકને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. સોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને લાંચ લેવા સહિતના અન્ય આરોપોમાં દોષી ઠેરવ્યા હતા. લી મ્યુંગ બક પર ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓમાં કાયદાકીય તપાસ ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, આવા જ એક કિસ્સામાં પોલીસ વોરંટ ઈશ્યૂ કરાયા બાદ આ વર્ષના માર્ચ મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સોલમાં રાખવામાં આવ્યા હતા.
જોકે પૂર્વ પ્રેસિડેન્ટ લી મ્યુંગ બકે પોતાના ઉપર લગાવવામાં આરોપોનું ખંડન કર્યું છે અને અપીલ કરવા માટે એક સપ્તાહનો સમય માગ્યો છે. દક્ષિણ કોરિયાના રુઢિવાદી લોકો માટે આ એક મોટો ઝાટકો છે. મહત્વનું છે કે, લીના ઉત્તરાધિકારી પાર્ક ગુન હેઈને પણ ભ્રષ્ટાચાર સહિતના કૌભાંડમાં દોષી ગણાવી 33 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
જણાવી દઈએ કે, આ વર્ષે 22 માર્ચના રોજ દક્ષિણ કોરિયા સરકારે પૂર્વ પ્રેસિડેન્ટ લી મ્યુંગ બક સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું હતું. લીને ભ્રષ્ટાચાર સહિતના મામલાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.