ભારત સાથે વાટાઘાટ શરુ કરવા પાક. વિદેશપ્રધાને અમેરિકાની મદદ માગી

વોશિંગ્ટન- પાકિસ્તાને ભારત સાથે વાટાઘાટ શરુ કરવા હવે અમેરિકાની મદદ માગી છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચા શરુ કરાવવા અમેરિકાને મદદ કરવા અનુરોધ કરે છે.ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દક્ષિણ એશિયાના આ બન્ને પાડોશી દેશો વચ્ચે સંવાદ બંધ છે. પાકિસ્તાનના વિદેશપ્રધાને કહ્યું કે, ચર્ચા નહીં થવાને કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. શાહ મહમૂદ કુરૈશીએ ગતરોજ વોશિંગ્ટનમાં જણાવ્યું કે, આ સંબંધમાં અમેરિકાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અનુરોધને નકારી કાઢ્યો છે.

કુરૈશીએ કહ્યું કે, ‘અમે જ્યારે અમેરિકાને મદદ માટે કહ્યું ત્યારે તેમનો જવાબ ના આવ્યો હતો’. વધુમાં તેણે કહ્યું કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંવાદ ઈચ્છે છે પરંતુ કોઈ મદદ કરવા તૈયાર નથી. કુરૈશીએ કહ્યું કે, ચર્ચા નહીં થવાને કારણે બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ વધુ વણસી શકે છે.

કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાન ભારત સાથે ચર્ચા કરવાના પક્ષમાં છે. ન્યૂયોર્કમાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે બેઠક રદ થવાનો ઉલ્લેખ કરતાં કુરૈશીએ રોપ લગાવ્યો કે, ભારત પાકિસ્તાન સાથે ચર્ચા કરવાથી પીછેહટ કરી રહ્યું છે.