નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સૌપ્રથમ વાર એક મંચ શેર કરશે. વિશ્વઆખાની નજર આ મુલાકાત પર છે. યુક્રેન યુદ્ધ પછી આ પહેલો પ્રસંગ છે કે બંને દેશોના પ્રમુખ એકસાથે એક મંચ શેર કરશે. હા, G-20ની બેઠકમાં યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિ સામેલ થશે.
આ બંને નેતાઓની વચ્ચે યુદ્ધને પૂરું કરવા માટે કૂટનીતિના સ્તરે કોઈ પહેલ થશે કે વાટાઘાટ થવા વિશે સંશય છે. ખાસ વાત એ છે કે બંને નેતાઓની વચ્ચે મુલાકાત એવા સમયે થઈ રહી છે –જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યા છે. આ ધમકી પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વિશ્વઆખાને વિશ્વયુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે.
વિદેશ બાબાતોના જાણકાર પ્રો. હર્ષ પંતે કહ્યું હતું કે પુતિન અને ઝેલેન્સ્કીની મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશો વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ છે. તેમણે કહ્યું હતું કે આ ટેન્શનમાં બંને નેતાઓ એક મંચ પર ભેગા થવા એ મોટી વાત છે. આ એ વાતની સાબિતી છે કે યુદ્ધ ખતમ થવા ભવિષ્યમાં બંને નેતાઓની વચ્ચે કૂટનીતિની પહેલની સંભાવના છે.
તેમણે કહ્યું હતું કે યુક્રેન જંગ પછી યુદ્ધને રોકવા માટે કેટલીય કૂટનીતિની પહેલ થઈ હતી, પણ બધી નિષ્ફળ નીવડી રહી. કેટલાય રાષ્ટ્રાધ્યક્ષોએ પુતિનને મનાવવાના પ્રયાસ કર્યા હતા, પણ અત્યાર સુધીના બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. આવામાં બંને નેતાઓ એકસાથે મંચ શેર કરશે, ત્યારે એક સકારાત્મક સંદેશ આપે છે. G-20ની આ સમીટ ઇન્ડોનેશિયાના બાલી શહેરમાં 15-16 નવેમ્બરે થશે.