વોશિંગ્ટન – વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સરકાર તરફથી આમંત્રણ મળ્યું છે, પરંતુ તે વિશે હજી નિર્ણય લેવાનો બાકી છે.
ભારતે નવી દિલ્હીના રાજપથ ખાતે નિર્ધારિત વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડ નિહાળવા અને સમારોહના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા ટ્રમ્પને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે.
ભારતે 2015ના પ્રજાસત્તાક દિન ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે એ વખતના યુએસ પ્રમુખ બરાક ઓબામાને આમંત્રણ આપ્યું હતું અને ઓબામાએ એમાં હાજરી આપી હતી. ઓબામા ત્યારે ત્રણ દિવસ ભારતમાં રોકાયા હતા. ભારતના પ્રજાસત્તાક દિન સમારોહમાં હાજર રહેનાર ઓબામા અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતા.