ઈસ્લામાબાદના વૈભવી PM હાઉસને બદલે અહીં રહેશે ઈમરાન ખાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને જે જાહેરાત કરી હતી તેના ઉપર અમલ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. પોતે કરેલા વાયદા મુજબ ઈમરાન ખાને પાકિસ્તાનના સત્તાવાર વડાપ્રધાન નિવાસમાં રહેવાનો ઈનકાર કર્યો છે. ત્યારબાદ તેમના મિનિસ્ટર્સ એન્ક્લેવમાં રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે.પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ વહીવટી અધિકારીઓ મિનિસ્ટર્સ એન્ક્લેવમાં ઈમરાન ખાનના રહેવા અંગે વિચાર કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ ઈસ્લામાબાદમાં મિનિસ્ટર્સ એન્ક્લેવના એક ઘરને પાકિસ્તાનના નવા વડાપ્રધાનનું નિવાસસ્થાન બનાવવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, આગામી 11 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના નવા વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરનારા ઈમનાર ખાને સામાન્ય ફ્લેટમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સુરક્ષા કારણોસર તેને મિનિસ્ટર્સ એન્ક્લેવમાં શિફ્ટ કરવાની યોજના છે.

પાકિસ્તાનની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતનારી ઈમરાન ખાનની પાર્ટી સાદગીભર્યા રાજકારણની વાતો કરતી રહી છે. પોતાના પ્રથમ ભાષણમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, તેઓ આલિશાન ઈમારતોનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાના રુપમાં અથવા બીજા કોઈ સામાજીક કાર્ય માટે કરશે. સાથે જ તેમણે અન્ય બિનજરુરી ખર્ચાઓ ઉપર પણ રોક લગાવવાનો વાયદો કર્યો છે.

હાલમાં ઈમરાન ખાન તેના નિજી બંગલો બાની ગાલા હાઉસમાં રહે છે. જોકે, દેશની સૌથી મોટી પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદના દાવેદાર હોવાને કારણે તેમના ઘરની સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]