બિશ્કેક (કિર્ઘિસ્તાન) – શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે ચર્ચા કરી હતી અને પાકિસ્તાન પ્રતિ ભારતના વલણને સ્પષ્ટ કર્યું હતું.
મોદીએ કહ્યું કે, અમે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા છે. પાકિસ્તાને પહેલા પોતાના દેશમાં આતંકવાદને રોકવો પડશે. તેથી હાલના સંજોગોમાં એની સાથે શાંતિમંત્રણા કરવાનું શક્ય નથી.
વડા પ્રધાન મોદીએ પ્રમુખ શી જિનિંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
ગયા મહિને ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી બીજી વાર જીતીને બીજી વાર સત્તા પર આવી અને મોદી બીજી વાર વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદી અને જિનપિંગે આ પહેલી જ વાર મુલાકાત કરી છે.
વડા પ્રધાનના કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે ચીન સાથે ભારતની મિત્રતા બહુ ગાઢ છે. મોદી અને જિનપિંગે દ્વિપક્ષી સંબંધોને વધારે મજબૂત કરવા માટેના માર્ગો વિશે ચર્ચા કરી હતી.