બીજિંગઃ ચીનમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. બોઇંગ 737 એરક્રાફ્ટ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 132 લોકો માર્યા ગયા હતા જેમાં 123 પેસેન્જરો હતા અને નવ ક્રૂ સભ્યો હતા. આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિ જીવિત હોવાની શક્યતા નથી. સરકારે આ વિસ્તારમાં શોધ અને બચાવ અભિયાન જારી રાખ્યું છે.
બોઇંગ 737-800નો સુરક્ષા રેકોર્ડ ઘણો સારો છે, વળી એ 737 મેક્સનું જૂનું વર્ઝન છે, જેને 2018 અને 2019માં બનેલી દુર્ઘટનાઓ પછી બે વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, એ માત્ર છ વર્ષ જૂનું હતું અને ચીની એરલાઇન્સનું હતું. છેલ્લા એક દાયકામાં સાત વિમાન દુર્ઘટનાઓ ઘટી છે, જેમાં આશરે 900થી 1000 વ્યક્તિઓનાં મોત થયાં છે.
રાજ્યના મિડિયાએ પણ જણાવ્યું હતું કે આ દુર્ઘટના પછી ચીનના ઇસ્ટર્નના કાફલામાં બધાં 737-800 એરક્રાફ્ટોને અટકાવી દેવામાં આવ્યાં હતાં. આ વિમાનમાં ટેક્નિકલ ખામીનો રિપોર્ટ નથી. ચીનની પાસે અન્ય દેશોની તુલના કરતાં 737-800 વિમાનો વધુ છે અને એ આશરે 1200 જેટલાં છે. જો આ બધાં વિમનોને ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો સ્થાનિક ટ્રાવેલ પર એની પ્રતિકૂળ અસર પડે એમ છે, એમ એવિયેશન કન્સલ્ટન્ટ IBAએ કહ્યું હતું.
ચીનમાં વિમાન દુર્ઘટના પછી ભારતની એરલાઇન્સ કંપનીઓ સ્પાઇસજેટ, વિસ્તારા અને એર ઇન્ડિયામાં 737 બોઇંગ વિમાન છે. આ બધી કંપનીઓને વધારાની સુરક્ષા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.