રશિયાએ સીરિયામાં કર્યો હવાઈ હુમલો, 20થી વધુ નાગરિકોના મોત

સીરિયા- રશિયન ફાઈટર જેટ વિમાનોએ સીરિયાની રાજધાની દામિશ્ક પાસે હવાઈ હુમલો કર્યાના સમાચાર છે. પ્રાથમિક અહેવાલ મુજબ આ હુમલામાં આશરે 23 નાગરિકોનાં મોત થયા છે. માર્યા ગયેલા નાગરિકોમાં ત્રણ બાળકો અને 11 મહિલાઓનો સમાવેશ થાય છે. સીરિયાનો આ વિસ્તાર હાલમાં વિદ્રોહીઓના કબજામાં છે.

બ્રિટન સ્થિત માનવાધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમનરાઈટ્સે જણાવ્યું છે કે, મિસરાબા શહેરમાં કરવામાં આવેલા રશિયાના હવાઈ હુમલામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે બાકીના લોકો સરકારી સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં માર્યા ગયા હતા.

આ પહેલા પણ જૂન-2017માં સીરિયામાં જેહાદીઓ દ્વારા સંચાલિત જેલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને તેના સંગઠન દેશો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં આશરે 60 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. એ સમયે અમેરિકાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હુમલામાં અમેરિકાનો ટાર્ગેટ માત્ર જેહાદીઓ હતા.

વર્ષ 2011થી શરુ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 3 લાખ 40 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અને લાખો લોકો બેઘર થયા છે. રશિયા દ્વારા સીરિયાના જે વિસ્તારમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો છે તે પૂર્વી ગોતા શહેર સીરિયાની રાજધાની દામિશ્ક પાસે આવેલું એક નાનું શહેર છે. જેના મોટાભાગના વિસ્તારમાં જૈશ-અલ-ઈસ્લામના વિદ્રોહિઓનું નિયંત્રણ છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થનમાં રશિયાએ વર્ષ 2015થી અહીં હુમલા કરવાનું શરુ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]