આખા ફ્રાન્સમાં માકડનો ફેલાવો થયો છે; લોકો ખંજવાળ કરી કરીને ત્રાસી ગયા છે

પેરિસઃ ફ્રાન્સ દેશમાં હાલ મોટી કટોકટી સર્જાઈ છે. આખા દેશમાં ખટમલ (માકડ – bedbugs) જંતુઓનો ફેલાવો થઈ ગયો છે. લોહી પીતા આ ઝીણા જંતુઓ કરડવાથી થતી ખંજવાળ કરી કરીને લોકો ત્રાસી ગયા છે. ફ્રાન્સના પ્રધાનમંડળ સુધી રેલો પહોંચ્યો છે અને આ સમસ્યાનો અંત લાવવા માટે તેમણે એક રાષ્ટ્રીય યોજના ઘડી છે.

ફ્રાન્સમાં જ્યાં જુઓ ત્યાં માકડનો ત્રાસ ફેલાયો છે. પછી એ નાની મોટી હોટેલ હોય, ટ્રેન હોય, બસ હોય કે ફિલ્મ થિયેટર હોય. યૂરોપ ખંડમાં શક્તિશાળી મનાતા દેશ ફ્રાન્સમાં ખટમલનું સામ્રાજ્ય ફેલાતાં લોકો પરેશાન થઈ ગયાં છે. પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાને આડે હવે માત્ર 9 મહિના જ બાકી રહી ગયા છે ત્યારે પેરિસ શહેર અને ફ્રાન્સ દેશ માકડને કારણે બદનામ થઈ રહ્યા છે. પડોશના અલ્જિરિયા દેશે તો માકડના ફેલાવાને રોકવા માટે ફ્રાન્સ સાથેની સરહદો પર કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.