નૂર ખાન એરબેઝના નુકસાનને લઈ પાકિસ્તાનના PM શરીફે આપ્યું નિવેદન

22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા, તેના જવાબમાં ભારતે 7 મે, 2025થી ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને સૈન્ય સ્થળો પર ચોકસાઈભર્યા હુમલા કર્યા. શરૂઆતમાં પાકિસ્તાને નુકસાનનો ઇનકાર કર્યો, પરંતુ તેમના જ સૈન્યના ફૂટેજ અને વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનથી આ ઇનકારની પોલ ખુલી ગઈ.

શુક્રવારે (16 મે, 2025) પાકિસ્તાન સ્મારક ખાતેના એક સમારોહમાં શરીફે જાહેર કર્યું કે, 10 મેના રોજ વહેલી સવારે 2:30 વાગ્યે જનરલ સૈયદ અસીમ મુનીરે તેમને સિક્યોર લાઇન પર ફોન કરી જણાવ્યું હતું કે, ભારતની બેલેસ્ટિક મિસાઇલોએ રાવલપિંડીના નૂર ખાન એરબેઝ સહિત અન્ય સ્થળો પર હુમલો કર્યો. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાનની વાયુસેનાએ સ્વદેશી ટેકનોલોજી અને ચીની જેટ વિમાનો પર આધુનિક સાધનોનો ઉપયોગ કરી જવાબ આપ્યો, પરંતુ ભારતની મિસાઇલો નિશાન પર પહોંચી. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો X પર શેર કરી લખ્યું, “પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું કે ભારતે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો. રાત્રે 2:30 વાગ્યે આવેલો ફોન ઓપરેશન સિંદૂરની સચોટતા અને હિંમત દર્શાવે છે.” સેટેલાઇટ ઈમેજમાં નૂર ખાન, સરગોધા, ભોલારી અને જેકોબાબાદ એરબેઝ પર નુકસાન સ્પષ્ટ દેખાયું, જે ભારતના દાવાને મજબૂત કરે છે.