ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને લોકસભા ચૂંટણી-2019માં ધરખમ જીત હાંસલ કરી સત્તા જાળવી રાખવા બદલ અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન મોદીએ ઈમરાન ખાનનો આભાર માન્યો હતો અને પોતે ઈમરાનને અગાઉ કરેલા એક સંદેશનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એમણે ગરીબી સામે સાથે મળીને લડાઈ લડવા કહ્યું હતું.
આ જાણકારી વિદેશ મંત્રાલયે એક નિવેદન દ્વારા આજે આપી છે.
ઈમરાન ખાને ફોન કર્યો ત્યારે બંને નેતાએ થોડીક વાર ચર્ચા કરી હતી. મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બંને દેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ આવે એ માટે દ્વિપક્ષી સહકાર વધારવાની જરૂર છે અને એ માટે હિંસા અને ત્રાસવાદ-મુક્ત તેમજ વિશ્વાસનું સર્જન કરે એવા વાતાવરણનું નિર્માણ કરવાની જરૂર છે.