પાકિસ્તાનમાં રાષ્ટ્રીય ધારાસભાનું વિસર્જન; નવેસરથી ચૂંટણી યોજાશે

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જબ્બર રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. રાષ્ટ્રીય ધારાસભાના સ્પીક કાસીમ સુરીએ વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિરોધપક્ષોએ રજૂ કરેલા અવિશ્વાસના પ્રસ્તાવને આજે નકારી કાઢ્યો છે. આ પ્રસ્તાવને તેમણે એમ કહીને રોકી દીધો હતો કે તે ગેરબંધારણીય છે. દેશના બંધારણની પાંચમી કલમથી વિપરીત છે.

દરમિયાન, ઈમરાન ખાનની સલાહને પગલે પાકિસ્તાનના પ્રમુખ આરીફ અલવીએ દેશની રાષ્ટ્રીય ધારસભા તથા પ્રાંતીય વિધાનસભાઓનું વિસર્જન કરી નાખ્યું છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાને ટીવીના માધ્યમથી દેશની જનતાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, ‘હું આખા દેશને શુભકામના આપું છું કે ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કર્યો છે. જનતા નવેસરથી સંસદીય ચૂંટણી માટે સજ્જ થાય, કારણ કે, મેં દેશની રાષ્ટ્રીય ધારાસભા તથા પ્રાંતીય વિધાનસભાઓનું વિસર્જન કરી નાખવાની દેશના પ્રમુખને સલાહ આપી છે. આપણા દેશનું ભાવિ કોઈ પણ ભ્રષ્ટાચારી પરિબળો નક્કી નહીં કરે. હવે રાષ્ટ્રીય ધારાસભા અને પ્રાંતિય વિધાનસભાઓનું વિસર્જન થઈ જશે, નવેસરથી ચૂંટણી માટે અને રખેવાળ સરકાર માટેની પ્રક્રિયા શરૂ થશે.’ ઈમરાન ખાને એમ પણ કહ્યું કે, આપણા દેશમાં સરકાર બદલવાના પ્રયાસ અને વિદેશીઓના ષડયંત્રને નાયબ સ્પીકરે નિષ્ફળ બનાવી દીધા છે.

ઈમરાન ખાને કહ્યું કે, ઘણા ચિંતિત લોકો તરફથી એમને સંદેશા મળ્યા હતા. દેશ સાથે દેશદ્રોહ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મારે માત્ર એટલું જ કહેવું છે કે, ગભરાશો નહીં. અલ્લાહ પાકિસ્તાન પર નજર રાખી રહ્યા છે. સંસદસભ્યોના વોટ ખરીદવા માટે વપરાયેલા અબજો રૂપિયા વેડફાઈ ગયા છે. જેમણે પૈસા લીધા છે એમને મારી સલાહ છે કે તેઓ એ પૈસા અનાથાશ્રમો તથા ગરીબોને દાનમાં આપી દે.

નિયમાનુસાર, પાકિસ્તાનમાં હવે 90 દિવસની અંદર ચૂંટણીઓ યોજવાની રહેશે.