ઈમરાને રખેવાળ-PM તરીકે ગુલઝાર એહમદને નિયુક્ત કર્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દેશમાં નવેસરથી સંસદીય અને પ્રાંતીય વિધાનસભાઓની ચૂંટણી યોજવાનો આદેશ આપી દીધો છે અને દેશના પ્રમુખ આરીફ અલવીએ સંસદ અને વિધાનસભાઓનું વિસર્જન કરી નાખ્યું છે. હવે 90 દિવસની અંદર દેશમાં ચૂંટણીઓ યોજવાની રહેશે. શાસક પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પક્ષની આજે યોજેલી બેઠક બાદ દેશના રખેવાળ વડા પ્રધાન તરીકે દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર એહમદને નિયુક્ત કર્યા છે. આ જાહેરાત પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ કરી છે. પક્ષની કોર-કમિટીની બેઠકમાં એહમદના નામને મંજૂરી આપવામાં આવી હતી.

રખેવાળ વડા પ્રધાનની વિધિસર નિમણૂક થાય ત્યાં સુધી ઈમરાન ખાન વડા પ્રધાન પદે ચાલુ રહેશે, એમ પ્રમુખ અલવીએ આજે બહાર પાડેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. અલવીએ દેશના બંધારણ અનુસાર, વડા પ્રધાન ઈમરાન ખાન અને રાષ્ટ્રીય ધારાસભામાં વિપક્ષી નેતા શાહબાઝ શરીફને લેખિતમાં જણાવ્યું છે કે તેઓ રખેવાળ વડા પ્રધાન તરીકે ઉચિત વ્યક્તિ તરીકે બબ્બે નામની ભલામણ પોતપોતાની રીતે કરે. રાષ્ટ્રીય ધારાસભાના વિસર્જનના ત્રણ દિવસની અંદર જો તેઓ રખેવાળ વડા પ્રધાનનું નામ સૂચવી ન શકે તો, એમણે તે નામ રાષ્ટ્રીય ધારાસભાના વિદાય લેનાર સ્પીકર દ્વારા રચાયેલી સમિતિને જણાવી દેવા. તે સમિતિમાં રાષ્ટ્રીય ધારાસભા કે સેનેટ અથવા બંનેમાં શાસક અને વિપક્ષના આઠ-આઠ સભ્યોનો સમાવેશ કરાશે.

દેશના બંધારણમાં પ્રમુખને રખેવાળ વડા પ્રધાનને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. તેઓ વિદાય લેનાર વડા પ્રધાન અને વિપક્ષી નેતા સાથે મસલત કરીને તે નિમણૂક કરી શકે છે. શાહબાઝ શરીફે સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી છે અને કહ્યું છે કે પ્રમુખ અલવી અને વડા પ્રધાન ઈમરાન ખાને કાયદાનું ઉલ્લંખન કર્યું છે.