પાકિસ્તાને કોરોનાને લગતા બધા નિયંત્રણો દૂર કર્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે કોરોનાવાઈરસ ચેપી બીમારી સંબંધિત બધા નિયંત્રણોને ઉઠાવી લીધા છે, જે તેણે દેશભરમાં લાગુ કર્યા હતા. સરકારનું કહેવું છે કે દેશમાંથી આ રોગચાળો નાબૂદ થવાને આરે આવી ગયો છે.

આયોજન અને વિકાસ ખાતાના પ્રધાન અસદ ઉમરે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે કોરોનાને લગતા તમામ નિયંત્રણોને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. પછી એ લગ્ન સમારંભોને લગતા હોય, ઈન્ડોર જમણવારને લગતા હોય, વિવિધ બજારોને લગતા હોય – તમામનો અંત લાવી દીધો છે. જોકે જે લોકોએ કોરોના-વિરોધી રસી નહીં લીધી હોય એ બધાય માટે નિયંત્રણો ચાલુ રહેશે. અસદ ઉમર કોરોના વિરોધી નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરના વડા પણ છે.