ભારત PoK પરત લઇ લેશે એવો ડર છે પાકિસ્તાનને…

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલના દિવસોમાં ભારતથી ત્રસ્ત છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને ભારતીય મોસમ વિભાગે (IMDએ) બુલેટિનમાં સામેલ કર્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે ભારતે આ વિસ્તારોને પોતાના અભિન્ન અંગ ગણાવ્યા છે. ભારતના આ પગલાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પાકિસ્તાને ભારતના બિનજવાબદાર પગલું ગણાવતાં આ દાવાને નકારી કાઢ્યો હતો. જોકે ભારતે પહેલેથી કહ્યું છે કે પાકિસ્તાન આ વિસ્તારો પર પોતાનો હક ના બતાવે, જે એણે ગેરકાયદે રીતે અને જબરદસ્તીથી કબજો કરી લીધો છે.  

પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતના આ દાવા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પાછલા વર્ષે ભારત દ્વારા જારી કરવામાં આવેલા રાજકીય નક્શાની જેમ આ પગલું સંપૂર્ણ રીતે ગેરકાયદે, વાસ્તવિકતાની વિપરીત અને UNSCના પ્રસ્તાવોનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન ભારતના આ વેધર બુલેટિનને નકારી કાઢે છે.

વેધર બુલેટિનને બહાને કાશ્મીર રાગ

પાકિસ્તાને આ વેધર બુલેટિનને બહાને એ વાર ફરી પાકિસ્તાને કાશ્મીર રાગ છેડ્યો છે. પાકિસ્તાને ભારતને અપીલ કરતાં કહ્યું હતું કે આ પ્રકારના નિરાધાર દાવાઓથી દૂર રહો.

ભારતનો ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફારાબાદ હિસ્સો

IMD દ્વારા બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને સામેલ કરવા મહત્ત્વની વાત છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુજંય મહાપાત્રાએ કહ્યું હતું કે IMD જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે વેધર બુલેટિન જારી કરે છે. તેમણે કહ્યું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદનો ઉલ્લેખ કર્યો છે, કેમ કે એ ભારતનો હિસ્સો છે. આ મહિનાના પ્રારંભે ભારતે સાફ કર્યું હતું કે પાકિસ્તાનનો આ વિસ્તારો પર કોઈ હક નથી.

ભારતે કાનૂનો હવાલો આપ્યો

પાકિસ્તાનને ભારતે કહ્યું હતું કે સંસદથી 1994માં પસાર એક પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીર પર સ્થિતિ સ્પષ્ટ છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના હાલના પગલાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક હિસ્સા પર એના ગેરકાયદે કબજાને છુપાવી ના શકાય અને ના આંખ આડા કાન કરી શકાય કે પાછલા સાત દાયકાથી આ ક્ષેત્રોમાં રહેતા લોકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, શોષણ કરવામાં આવ્યું છે અને તેમને સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવ્યા છે.

ભારતના નવા નકશામાં PoKનો સમાવેશ

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી ભારત સરકારે જે નવો નકશો જારી કર્યો છે, એમાં પાકિસ્તાન કબજાબાળા કાશ્મીર (PoK)ના હિસ્સાઓને પણ ભારતના કાશ્મીર ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યા છે. PoKના ત્રણ જિલ્લા મુઝફ્ફરાબાદ, પંચ અને મીરપુરને સામેલ કરવામાં આવ્યા છે. હાલ આ જિલ્લા પાકિસ્તાનના કબજાવાળા ક્ષેત્રમાં છે.