લોન લેવા માટે IMFના ઇશારે નાચતું પાકિસ્તાન

ઇસ્લામાબાદઃ મોંઘવારીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને IMFની શરતો ભારે પડવા લાગી છે. IMFની લોન લેવા માટે પાકિસ્તાન આકરી શરતો લાગુ કરવા તૈયાર થયું છે. અધિકારીઓ અને વિશ્લેષકોએ સોમવારે કહ્યું હતું કે આર્થિક તંગી અને પરમાણુ હથિયારોથી લેસ પાકિસ્તાન હવે આ મહિને 170 અબજ રૂપિયાના નવા ટેક્સ જનતા પર લાદશે. તેમણે ચેતવણી આપી હતી કે નવા કરોથી દેશમાં ફુગાવો ઓર વધી જશે.

IMFના નવા ટેક્સ લગાવવાની ભલામણ પર અર્થશાસ્ત્રી એહતેશામ-ઉલ—હકે કહ્યું હતું કે વધુ ટેક્સ લગાવવાનો અર્થ એ છે કે પાકિસ્તાનમાં મોટા ભાગના લોકો માટે મુશ્કેલ દિવસો આવવાના છે , જે પહેલેથી ખાદ્ય પદાર્થો અને ઊર્જા માટે ઊંચા ખર્ચનો સામનો કરી રહ્યા છે, પણ જો પાકિસ્તાનને IMFની લોનની જરૂર છે તો પાકિસ્તાને નવા કર લગાવવા પડશે, કેમ કે આ સિવાય કોઈ બીજા રસ્તો નથી.

પાકિસ્તાન ખુદને ડિફોલ્ટરના રૂપે ઘોષિત હોવાથી બચાવી રહ્યું છે. એટલે IMFની શરતોને માનવા માટે મજબૂર છે. અર્થશાસ્ત્રી હકે કહ્યું હતું કે નવા કરોને લાગુ થયા પછી પાકિસ્તાનનો 26 ટકા ફુગાવાનો દર વધીને 40 ટકા થઈ જશે, જો પાકિસ્તાન IMF પાસેથી બેલઆઉટ પુનર્જીવિત કરવામાં નિષ્ફળ રહેશે તો સામાન્ય જનતા માટે જીવન વધુ મુશ્કેલ બનશે. પાકિસ્તાન માટે વિદેશી કરન્સીનો ભંડાર બે અબજ ડોલરથી થોડો વધુ બચ્યો છે. એ માત્ર 10 દિવસો માટે આયાત માટે ચુકવણી માટે પર્યાપ્ત છે.