ચીન, પાકિસ્તાનનું સંયુક્ત નિવેદન; ભારત સાથે કશ્મીર વિવાદનો ઉકેલ વાટાઘાટથી લાવવો

ઈસ્લામાબાદ – ચીન અને પાકિસ્તાને જાહેર કર્યું છે કે કશ્મીર વિવાદનો ઉકેલ મંત્રણાથી જ લાવવો.

પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, ચીન સરકારે પાકિસ્તાનના સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડતા, સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય એકતાની સુરક્ષા કરવાના પાકિસ્તાનના પગલાંને પોતાના ટેકાનો પુનરોચ્ચાર કર્યો છે.

કશ્મીર વિવાદનો ઉકેલ મંત્રણાથી જ લાવવો એવું ચીન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે જમ્મુ અને કશ્મીરને ભારતના બંધારણે આપેલા વિશેષ દરજ્જાને રદ કરવાનો ભારત સરકારનો નિર્ણય પાકિસ્તાનની સલામતી અને અખંડતા સામે પડકાર સમાન છે.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ગયા શનિવાર અને રવિવારે પાકિસ્તાનની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. એ વખતે બંને દેશે સંયુક્ત અખબારી નિવેદન બહાર પાડ્યું હતું. એમાં જણાવાયું છે કે, સંબંધિત પક્ષકારો પ્રદેશને લગતા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ પરસ્પર સમ્માન અને સમાનતાના આધારે મંત્રણા દ્વારા જ લાવે એ જરૂરી છે.

 

ચીને કહ્યું છે કે તે કશ્મીર વિસ્તારમાંની પરિસ્થિતિ પર ચાંપતી દેખરેખ રાખી રહ્યું છે. કોઈ પણ દેશ એકપક્ષીય રીતે પગલું ભરે એની સામે તેનો વિરોધ રહેશે, કારણ કે એવા પગલાથી વિવાદ વધારે ગૂંચવાશે. કશ્મીર વિવાદ સંયુક્ત રાષ્ટ્રના નિયમો, યુનાઈટેડ નેશન્સ સુરક્ષા પરિષદે પાસ કરેલા સંબંધિત ઠરાવો તથા દ્વિપક્ષી સમજૂતીઓના આધારે શાંતિપૂર્વક રીતે લાવવો જોઈએ.

ભારત સરકારે ગઈ પાંચ ઓગસ્ટે જમ્મુ અને કશ્મીર રાજ્યને આપેલો વિશેષ દરજ્જો રદ કરી દીધો છે ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ભારત સાથેના દ્વિપક્ષી વ્યાપાર સંબંધોને સ્થગિત કરી દીધા છે. એણે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સુરક્ષા પરિષદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ધમકી આપી છે કે તે ભારતને કશ્મીર મુદ્દે યુએન માનવ અધિકાર પરિષદમાં અને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ઢસડી જશે.

બીજી બાજુ, ભારતે મક્કમપણે જણાવ્યું છે કે જમ્મુ-કશ્મીર બાબતે એણે જે નિર્ણય લીધો છે એ તેની આંતરિક બાબત છે.