ટ્રમ્પે શાંતિ વાર્તા રદ્દ કર્યા બાદ તાલિબાનની ધમકી, હવે વધારે અમેરિકી મરશે…

નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા થતા પહેલા જ રદ્દ થઈ ગઈ છે. કાબુલમાં અમેરિકી સૈનિકની હત્યા કરવામાં આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતિમ સમય પર શાંતિ વાર્તા રદ્દ કરી દીધી છે. હવે આ નિર્ણય બાદ તાલિબાનનું પણ નિવેદન આવ્યું છે. તાલિબાને કહ્યું કે આનાથી અમેરિકાને મોટુ નુકસાન થશે અને હવે વધારે અમેરિકીઓના જીવ જશે.

તાલિબાનની તરફથી રવિવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કર્યું, જેમાં અમેરિકાને સીધી જ ચેતવણી આપવામાં આવી છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે જે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાની વાત કરી રહ્યા છે, તે જ સમયે અમેરિકી સેના પણ અફઘાનિસ્તાનમાં સતત બોમ્બ વર્ષા કરી રહ્યા છે.

તાલિબાનનું કહેવું છે કે અમેરિકા માટે આ ભારે પડવાનું છે. આનાથી અમેરિકાની છબી પર અસર પડશે, લોકોના જીવ જશે અને શાંતિ ભંગ થશે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તાલિબાનના મોટા નેતાઓ વચ્ચે બેઠક કેમ્પ ડેવિડમાં થવાની હતી, જ્યાં મુખ્યત્વે અમેરિકી રાષ્ટ્રપતિ મોટી અને મહત્વપૂર્ણ બેઠકો કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે જ્યાં સુધી આપણને આ વાત પર ભરોસો ન થાય કે અફઘાનિસ્તાનમાં બધું જ ઠીક છે, અમે પોતાના સૈનિકોને પાછા નહી બોલાવીએ.

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે માઈક મોમ્પિયોને પૂછવામાં આવ્યું કે શું અફઘાનિસ્તાન સાથે શાંતિ વાર્તા ખતમ થઈ ગઈ છે, તો તેમણે કહ્યું કે, અત્યારે તો થઈ ગઈ છે. બંન્ને દેશો વચ્ચે થનારી શાંતિ સમજૂતી અંતર્ગત અમેરિકાને આવનારા કેટલાક વર્ષોમાં 5400 સૈનિકોને પાછા બોલાવવાના હતા, જો કે હવે આ કેટલાક સમય માટે રદ્દ થઈ ગયું છે.

અફઘાનિસ્તાન અને અમેરિકા વચ્ચે આશરે છેલ્લા બે દશકથી જંગ ચાલી રહી છે જેને હવે ધીરે-ધીરે શાંતિ તરફ લઈ જવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા આ પ્રયત્નો એટલા માટે પણ તેજ હતા, કારણ કે આ જ મહીને અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]