લ્યો, પાકિસ્તાનના ગ્વાદર બંદર પર તો ચકલું ય ફરકતું નથી!!

ગ્વાદર- પાકિસ્તાનમાં ચીને ગ્વાદર બંદર બનાવી તો દીધું, પરંતુ જહાજોની આવન જાવન ન હોવાને કારણે આ બંદર સૂમસામ પડ્યું છે. આની અસરરૂપે બેઇજિંગની મહત્વાકાંક્ષી પરિયોજના બેલ્ટ એન્ડ રોડ પર પણ શંકાનાં વાદળો ઘેરાયા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની કૉસ્કો (ચાઇનીઝ ઑશિયન શિપિંગ કંપની) શિપિંગ લાઇન્સે હાલમાં જ કરાચીથી ગ્વાદરની વચ્ચે કન્ટેનર લાઇનર સેવા બંધ કરી દીધી છે. કંપનીએ કહ્યું છે કે જહાજોની ઉણપ અને અફઘાનિસ્તાનથી દરિયાઈ વેપારમાં બંદરનો ઉપયોગ ન થવાના કારણે તેમણે આ પગલું ઉઠાવ્યું છે.

કૉસ્કોએ પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

ગ્વાદર કસ્ટમમાં ખામીઓ અને શિપિંગનાં ભારે-ભરખમ ખર્ચનાં કારણે કૉસ્કો આ નિર્ણય લેવા માટે મજબૂર બન્યું છે. કૉસ્કોએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની અપર્યાપ્ત નીતિઓ અને પગલાંના કારણે ગ્વાદરનું બજારમાં રોનક ન આવી શકી. ગ્વાદર બંદરને ઑપરેટ કરી રહેલી અને ચાઇના ઑવરસીઝ પોર્ટ હૉલ્ડિંગ કૉર્પોરેશન (COPHC) ની શાખા ગ્વાદર ઇન્ટરનેશનલ ટર્મિનલ લિમિટેડે પણ પાકિસ્તાની અધિકારીઓ સામે તાજેતરનાં ઘટનાક્રમોને લઇને નિરાશા વ્યક્ત કરી છે.

ગ્વાદર બંદર પર માર્ચ 2018માં પ્રથમ કન્ટેનર લાઇનર સેવા શરૂ કરવામાં આવી હતી. તેનું લક્ષ્ય અફઘાનિસ્તાન સાથે વેપાર સાધવા ઉપરાંત પાકિસ્તાનની અંદર દરિયાઈ વેપારને પ્રોત્સાહન આપવાનું હતું. જો કે ઓમાન સાગરમાં સ્થિત ચાબહાર બંદર અફઘાનિસ્તાન પહોંચવાનાં દરિયાઈ માર્ગ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. મહત્વ છે કે ભારત ચાબહાર બંદરનાં વિસ્તરણ અને મેનેજમેન્ટમાં મદદ કરી રહ્યું છે. વિશ્લેષકો અનુસાર અફઘાનિસ્તાન પોતાનો વેપાર ચાબહાર બંદરથી કરી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાન-અફઘાનિસ્તાનની વચ્ચે ગ્વાદર બંદરથી થતો વેપાર સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે.

ગ્વાદર બંદરની કન્ટેનર લાઈનર સર્વિસ ફળ,શાકભાજી, આરસ વગેરે ખનીજ પદાર્થોનો દરિયાઈ માર્ગે વેપાર વધારવા માટે શરુ કરવામાં આવી હતી,પરંતુ તમામ પ્રયત્નો છતાં સમગ્ર યોજનાઓ પર પાણી ફરી વળ્યું.

ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા પ્રાપ્ત થતી સબસિડી પર ચલાવવામાં આવી રહેલા ગ્વાદર કન્ટેનર સેવાનો ઉપયોગ મુખ્યત: ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) સંબંધિત મશીનરી અને અન્ય સામાન લઈ જવામાં કરવામાં આવી રહ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ચીને પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, આ ઘટનાક્રમ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે કારણ કે, ગ્વાદર આ આખી પરિયોજનાનો તાજ છે.