ટ્રમ્પની નવી વિઝા નીતિનો વ્યાપક વિરોધઃ મામલો કોર્ટમાં ગયો

વોશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલી નવી વિઝા નીતિની સામે એક ડઝનથી વધુ ટેક્નોલોજી કંપનીઓએ અને રાજ્યોએ મોરચો માંડ્યો છે. ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિત અને ટેક કંપનીઓએ અને 17 રાજ્યોએ આ વિઝા નીતિ મામલે ટ્રમ્પ સરકારની સામે કોર્ટમાં કેસ કર્યો છે.

ટેક કંપનીઓએ નવી વિઝા નીતિને ગેરકાયદે જણાવી

ટેક કંપનીઓ અને રાજ્યોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ મેસેચ્યુસેટ્સમાં કેસ કર્યો છે. આ કેસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) અને અમેરિકી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICI)ની સામે નોંધાવવામાં આવ્યો છે. ટેક કંપનીઓનું કહેવું છે કે આ નવી વિઝા નીતિ ક્રૂર, આકસ્મિક અને ગેરકાયદે છે. કંપનીઓએ નવી વિઝા નીતિ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

60થી વધુ યુનિવર્સિટીઓએ પણ વિરોધ નોંધાવ્યો

નવી વિઝા નીતિના વિરોધમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સાથે 60થી વધુ યુનિવર્સિટીઓએ પણ કેસ કર્યો છે. 2018-19 એકેડેમિક યરમાં અમેરિકામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે. એકલા મેસેચ્યુસેટ્સ રાજ્યમાં જ 77,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે, જે દર વર્ષે અમેરિકી અર્થતંત્રમાં 3.2 અબજ ડોલરનું યોગદાન આપે છે.

નવી વિઝા નીતિથી આશરે બે લાખ ભારતીય સ્ટુડન્ટ્સ પર અસર પડશે

સ્ટુડન્ટ્સ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP)ના જણાવ્યા મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં 1,94,556 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાયા હતા. આમાં 1,26,132 વિદ્યાર્થીઓ અને 68,405 વિદ્યાર્થિનીઓ છે. નવી વિઝા નીતિ લાગુ થવા પર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અવળી અસર પડશે.

ટ્રમ્પ સરકારની નવી વિઝા નીતિ શું છે

ટ્રમ્પ વહીવટીતંત્રએ ગઈ છઠ્ઠી જુલાઈએ નવી વિઝા નીતિ જારી કરી હતી. આમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ક્લાસ (જે તે કોલેજમાં)માં જઈને શિક્ષણ લેવાનું ફરજિયાત બનાવાયું છે. નવી નીતિમાં પણ કહેવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ કલાસમાં (ઓફલાઇન) જઈને શિક્ષણ નહીં લે, તેમના વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે. જે વિદેશી વિદ્યાર્થીઓ ઘેરબેઠાં ઓનલાઇન શિક્ષણ લેશે, તેમણે અમેરિકા છોડવું પડશે.