ન્યૂયોર્ક સિટીઃ આ શહેરના રિચમોન્ડ હિલ વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં બે શીખ પુરુષ પર કરાયેલા હુમલાના સંબંધમાં શહેરની પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. આ હુમલા રિચમોન્ડ હિલ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુદ્વારા આવેલું છે. આ હુમલાને કારણે અહીં વસતા શીખ સમુદાયનાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસે ગઈ 3 એપ્રિલે નિર્મલસિંહ નામના 70-વર્ષીય એક શીખ પર હુમલો કરવા બદલ 19-વર્ષના વેર્નોન ડગ્લાસ નામના યુવકની ધરપકડ કરી છે. નિર્મલસિંહ અવારનવાર ભારતથી અમેરિકાની મુલાકાતે આવતા હોય છે. એમની પરના હુમલાની તપાસ ન્યૂયોર્ક પોલીસ વિભાગની હેટ ક્રાઈમ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી છે. પોલીસે ડગ્લાસ પર હેટ ક્રાઈમ (ઘૃણિત હુમલા)નો ગુનો નોંધ્યો છે.
10 દિવસની અંદર બે શીખ પુરુષ પર હુમલા કરવામાં આવ્યા હતા. બીજો હુમલો પણ રિચમોન્ડ હિલ વિસ્તારમાં જ કરાયો હતો. એના સંબંધમાં પોલીસે 20 વર્ષના હેઝીકીયા કોલમેન નામના યુવકની ધરપકડ કરી છે. બંને ઘટનામાં હુમલાખોરોએ બંને શીખના માથા પરથી પરંપરાગત ધાર્મિક પાઘડી કાઢી નાખી હતી અને એમની મારપીટ કરી એમને લૂંટી લીધા હતા. બંને બનાવમાં શીખ પુરુષો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. ન્યૂયોર્કસ્થિત ભારતીય દૂતાવાસે પણ નફરતપ્રેરિત હુમલાઓ અંગે વિરોધ નોંધાવ્યો છે.
આ હુમલાઓને શીખ કોએલિશન સંસ્થાએ વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે શીખ લોકો નફરતભરી હિંસાનો અવારનવાર ભોગ બને છે. સંસ્થાએ ગયા બુધવારે રિચમોન્ડ હિલ વિસ્તારમાં એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં ન્યૂયોર્ક રાજ્યનાં મહિલા ગવર્નર કેથી હોચૂલે પણ ભાગ લીધો હતો.