બિજીંગ- નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ તો પહેલેથી જ યુદ્ધનું મન બનાવી ચુક્યો છે. હવે તો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે, અમેરિકા નોર્થ કોરિયા પર એવો હુમલો કરશે કે આવનારી પેઢીઓ યાદ રાખશે. જોકે કિમ જોંગને ડરાવવાના અમેરિકાના દરેક પ્રયાસમાં ચીન દિવાલ બનીને ઉભું રહે છે.
અમેરિકાના જાસુસી ઉપગ્રહે માહિતી મેળવી છે કે, ચીન નોર્થ કોરિયાની મદદ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ છતાં ચીન નોર્થ કોરિયાનો સાથ આપી રહ્યું છે. હાલમાં જ ચીન નોર્થ કોરિયાના તાનાશાહની મદદ કરતાં રંગે હાથ ઝડપાયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પને પણ ખબર છે અને વૈશ્વિક સમુદાય પણ જાણે છે કે, જ્યાં સુધી ચીન નોર્થ કોરિયાને મદદ કરી રહ્યું છે ત્યાં સુધી નોર્થ કોરિયા પર હુમલો કરવો અમેરિકા માટે શક્ય નથી. એ વાત પણ સાચી છે કે, જો ચીન સહકાર આપે તો યુદ્ધ વિના જ નોર્થ કોરિયાનો મુદ્દો ઉકેલી શકાય તેમ છે. અને એટલા માટે જ અમેરિકા પણ ચીનને આ બાબતે મનાવવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે ચીન હજી ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યું છે.
જો અમેરિકા નોર્થ કોરિયા પર હુમલો કરે તો અમેરિકાને જ મુસીબતનો સામનો કરવો પડી શકે તેમ છે. કારણ કે, યુદ્ધની સ્થિતિમાં ચીનને નોર્થ કોરિયાનો સાથ આપવો જ પડશે. આમ એટલા માટે છે કારણ કે, અમેરિકા અને નોર્થ કોરિયા બન્ને સાથે ચીનની સંધિ છે.
વર્ષ 1950થી 1953 સુધી નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે ચાલેલી લડાઈમાં ચીન અને રશિયાએ નોર્થ કોરિયાનો સાથ આપ્યો હતો. બાદમાં UNની મધ્યસ્થતાથી સંધી કરવામાં આવી અને લડાઈ સમાપ્ત થઈ. આ સંધી મુજબ વોશિંગ્ટન અને બિજીંગ વચ્ચે મહત્વનો કરાર કરવામાં આવ્યો હતો. જે મુજબ ભવિષ્યમાં જો અમેરિકા નોર્થ કોરિયા પર હુમલો કરશે તો યુદ્ધ વિરામનું ઉલ્લંઘન માનવામાં આવશે.
આ ઉપરાંત વર્ષ 1961માં ચીન અને નોર્થ કોરિયાની વામપંથી સરકારોએ પરસ્પર એક મહત્વની સંધિ કરી હતી. જેનું નામ ‘ચીન-નોર્થ કોરિયાઈ પારસ્પરિક સહાયતા અને સહયોગ મિત્રતા સંધિ’ રાખવામાં આવ્યું હતું. જે મુજબ ચીન અને નોર્થ કોરિયા પર જો ત્રીજો કોઈ દેશ હુમલો કરશે તો સંધિ મુજબ બન્ને દેશ એક-બીજાની મદદ કરશે. ગત વર્ષે બન્ને દેશોએ આ સંધિની સમય મર્યાદા વધારીને વર્ષ 2021 સુધી કરી છે.