અમેરિકામાં સશસ્ત્ર લૂંટારાઓએ ભારતીય વિદ્યાર્થીને ઠાર કર્યો

વોશિંગ્ટન – અમેરિકામાં ગન કલ્ચરનો એક નવો બનાવ બન્યો છે અને આ વખતે સશસ્ત્ર લૂંટારાઓએ ભારતીય મૂળના એક વિદ્યાર્થીનો જાન લીધો છે.

તે હુમલામાં એક અન્ય ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે.

ગુરુવારની ઘટનામાં ઠાર કરાયેલા વિદ્યાર્થીનું નામ અર્શદ વોહરા છે અને તે 19 વર્ષનો હતો. શિકાગોના ડોલ્ટનમાં એક પેટ્રોલ પમ્પ ખાતે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને વોહરાને ઠાર કર્યો હતો.

ગોળીબારમાં એક અન્ય ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે જેની હાલત ગંભીર છે. પોલીસે એ વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી.

વોહરા એક સ્ટોર-કમ-ગેસ સ્ટેશન ખાતે એક વાહનમાં ઈંધણ ભરી રહ્યો હતો ત્યારે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. કેસ ઉકેલવામાં મદદરૂપ થાય એવી માહિતી આપનારને 12 હજાર ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે.

તાજેતરના મહિનાઓમાં ભારતીય મૂળના અમેરિકન્સ તથા ભારતીયોને ઠાર કરવાના તેમજ એમની પર ગોળીબાર કરવાના અનેક બનાવો બન્યા છે.

ગઈ 15 ડિસેમ્બરે ઓહાયોમાં બે લૂંટારાઓએ કરુણાકર કારેંગલ નામના ભારતીયને ઠાર કર્યો હતો.

એ પહેલાં, ડિસેમ્બરમાં જ શિકાગોમાં 30 વર્ષીય ભારતીય નાગરિકને અજાણ્યા હુમલાખોરે કરેલા ગોળીબારમાં ઈજા થઈ હતી.

આ જ વર્ષના ફેબ્રુઆરીમાં, કેન્સાસમાં શ્રીનિવાસ કુચીભોટલા નામના ભારતીય સોફ્ટવેર એન્જિનીયરને ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ વોશિંગ્ટનના કેન્ટમાં એક શીખ નાગરિકને હાથમાં ગોળી મારવામાં આવી હતી.