ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સંસદ નેશનલ એસેમ્બલીનું વિશેષ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. ઇમરાન ખાન સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો પ્રારંભ કરતાં વિપક્ષના નેતા શહબાઝ શરીફ વિદેશી ષડયંત્ર કહેવા બદલ સ્પીકર પર ભડકી ગયા હતા. તેમણે સ્પીકરને અરજ કરી હતી કે તમે બંધારણનું પાલન કરો. એ પછી સંસદમાં શોરબકોરની વચ્ચે સ્પીકરે એક કલાક સુધી કાર્યવાહી સ્થગિત કરી હતી. આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. જોકે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં ઇમરાન ખાનની સરકારે કાનૂનીવિદો સાથે વિચારવિમર્શ કર્યો હતો.
પાકિસ્તાનની સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. જોકે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં ઇમરાન ખાને પકિસ્તાનને સંબોધિત કર્યું હતું, ત્યારે તેમણે ઇમરાન ખાને ભારતની ભરપેટ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત એક ખુદ્દાર દેશ છે. કોઈ પણ સુપરપાવરની કિંમત નથી કે ભારત સામે કાવતરું કરે. ભારતને કોઈ આંખ નથી બતાવી શકતું. ઇમરાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનની વિદેશ નીતિ પણ ભારતની જેવી હોવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ નેતાઓનું ખરીદ-વેચાણ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોકશાહી એક મજાક બની ગઈ છે. જે રાષ્ટ્રની 60 ટકાથી વધુ વસતિ યુવા હોય અને તેમને ભવિષ્ય માટે દિશા નહીં બતાવીએ તો તેઓ સમજશે કે દેશની નેતાગીરી યોગ્ય નથી.
તેમણે ફરી એક વાર અમેરિકા પર માછલાં ધોતાં કહ્યું હતું કે કેટલાક મહિનાઓ પહેલાં અમેરિકાના ડિપ્લોમેટ અમારા લોકોથી મળી રહ્યા હતા. અમેરિકામાં અમારા એમ્બેસેડરની ત્યાંના અધિકારીએ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ઇમરાન ખાને રશિયાની મુલાકાત નહોતી લેવાની.