ફાયરસ્ટાર ડાયમંડ પાસે ઉઘરાણી રોકતો અમેરિકાની અદાલતનો વચગાળાનો મનાઈહૂકમ

વોશિંગ્ટન – નીરવ મોદીની માલિકીની ફાયરસ્ટાર ડાયમંડ કંપનીએ દેવાળું ફૂંક્યા બાદ અમેરિકાની ખાસ અદાલતમાં નાદારી માટેની અરજી નોંધાવી દીધી છે. એને પગલે અમેરિકાની એક અદાલતે વચગાળાનો મનાઈહૂકમ આપ્યો છે જેને કારણે લેણદારો ફાયરસ્ટાર પાસેથી એમણે ધીરેલા નાણાંની ઉઘરાણી કરી નહીં શકે.

પંજાબ નેશનલ બેન્કમાંથી રૂ. 11,400 કરોડ જેટલા નાણાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાવ્યાના કેસમાં નીરવ મોદી સામે ભારતમાં તપાસ ચાલી રહી છે. ફાયરસ્ટાર ડાયમંડ કંપનીમાં તેમજ એની પેટા કંપનીઓમાં નીરવ મોદીનો મેજોરિટી હિસ્સો છે.

ફાયરસ્ટાર ડાયમંડે ન્યુ યોર્ક સધર્ન બેન્ક્રપ્ટસિ કોર્ટમાં ગયા સોમવારે નાદારી માટેની અરજી નોંધાવી હતી.

રાહત માટેનો ઓર્ડર પાસ કરતાં અમેરિકી અદાલતે કહ્યું કે કેસ નોંધાતા ઉઘરાણીની પ્રવૃત્તિઓ પર આપોઆપ મનાઈહૂકમ લાગુ થઈ જાય છે. આનો અર્થ એ કે લેણદારો હવે દેણદાર પાસેથી કે એની પ્રોપર્ટીમાંથી નાણાંની ઉઘરાણી કરી નહીં શકે.

કોર્ટે વધુમાં કહ્યું છે કે, દાખલા તરીકે, જ્યાં સુધી આ મનાઈહૂકમ અમલમાં છે ત્યાં સુધી લેણદારો દેણદાર પાસેથી નાણાંની ઉઘરાણી માટે કોઈ કોર્ટ દાવો નોંધાવી નહીં શકે કે એ પ્રકારનો અન્ય કોઈ પણ પ્રયાસ કરી નહીં શકે. લેણદારો ઈમેલ, ફોન કે અન્ય કોઈ પણ રીતે દેણદાર પાસેથી નાણાંની ચૂકવણીની માગણી કરી નહીં શકે.

કોર્ટે ચેતવણી આપી છે કે જે કોઈ લેણદાર આ મનાઈહૂકમનો અનાદર કરશે એની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.

કોર્ટના આ ઓર્ડરની કોપીઓ ફાયરસ્ટાર ડાયમંડના ડઝન જેટલા લેણદારો તેમજ અસંખ્ય સ્ટેક હોલ્ડર્સને મોકલવામાં આવી છે.

આવતી 30 માર્ચે ન્યુ યોર્કની કોર્ટે લેણદારોની એક બેઠક બોલાવી છે.

મિહીર ભણસાલીએ ફેન્ટસી ડાયમંડ, ફેન્ટસી તથા એ. જેફ – આ ત્રણ કંપનીઓ વતી નાદારી માટેની અરજી નોંધાવી હતી. ભણસાલી આ કંપનીઓના પ્રેસિડન્ટ છે અને એકમાત્ર ડાયરેક્ટર છે.

નાદારી માટે ગયા બુધવારે અરજી નોંધાવતી વખતે ફાયરસ્ટાર ડાયમંડે તેના લેણદારોના નામોની યાદી કોર્ટને સુપરત કરી હતી.