પાકિસ્તાને ભારતીય હાઈકમિશનરને ક્લબનું સભ્ય પદ આપવા ઈનકાર કર્યો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતું નથી. ફરી એકવાર ભારતને નીચું બતાવવા માટેનો પ્રયત્ન કરતા પાકિસ્તાને ત્યાં રહેતાં એક ભારતીય હાઈકમિશનરની એક અરજીને નામંજૂર કરી દીધી છે. ભારતીય હાઈકમિશનરે શહેરના પ્રતિષ્ઠિત ઈસ્લામાબાદ ક્લબના સભ્ય પદ માટે અરજી કરી હતી જેને ત્રણ મહિના જેટલો સમય વીત્યાં બાદ પણ અત્યાર સુધી રોકી રાખવામાં આવી છે.

ડિસેમ્બરમાં કરી હતી અરજી

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય હાઈકમીશનર અજય બિસારિયાએ ઈસ્લામાબાદમાં ડ્યુટી મળતા જ આ ક્લબના સભ્ય પદ માટે અરજી કરી હતી. નવેમ્બર 2017માં તેમને પાકિસ્તાનમાં ભારતીય હાઈકમીશનર બનાવવામાં આવ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ ડિસેમ્બર માસમાં તેમણે એલિટ ક્લબના સભ્ય પદ માટે અરજી કરી હતી, પરંતુ આટલો સમય વિતી ગયો હોવા છતા પણ તેમની અરજી પર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને સાથે જ તેમને કોઈ જવાબ પણ મોકલવામાં નથી આવ્યો.

સુરક્ષાનું કારણ આગળ ધર્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર ક્લબે સુરક્ષાના કારણોનો હવાલો આપતા ભારતીય હાઈકમીશનરના સભ્યપદની અરજીને નામંજુર કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ભારતીય હાઈકમીશનર દ્વારા આ વિષયને લઈને પાકિસ્તાન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો નથી.

એલિટ ક્લાસના લોકો છે ક્લબ મેમ્બર

ઈસ્લામાબાદ ક્લબ એક બંધારણીય સંસ્થા છે, જેની સ્થાપના રાષ્ટ્રપતિના અધ્યાદેશથી કરવામાં આવી હતી. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આ પ્રતિષ્ઠિત ઈસ્લામાબાદ ક્લબ આવ્યો છે. આ ક્લબમાં શહેરના એલિટ ક્લાસના લોકો સભ્ય છે. આમાં ઘણા વિદેશી રાજદુતો, અધિકારીઓ, બીઝનેસમેન, રાજનેતા વગેરે કક્ષાના લોકો સભ્ય છે. આ લોકો અહીંયા સામાજિક, રાજનૈતિક, અને સાસ્કૃતિક વિષયો પર ચર્ચા કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]